પ્રથમ સેમિફાઇનલમાં હિમાચલ પ્રદેશ અને સર્વિસીસની ટીમ ટકરાશે:
26મીએ ફાઇનલ
વિજય હઝારે ટ્રોફી-2021-22 વનડે ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમે વિદર્ભને 7 વિકેટે પરાજય આપી વટભેર સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પ્રેરક માંકડના ઓલરાઉન્ડ દેખાવના કારણે ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્રનો શાનદાર વિજય થયો હતો. આવતીકાલે સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે જયપુર ખાતે બીજો સેમિફાઇનલ મેચ રમાશે. પ્રથમ સેમિફાઇનલમાં હિમાચલ પ્રદેશ અને સર્વિસીસની ટીમ વચ્ચે જંગ જામશે. વિજય હઝારે ટ્રોફીનો ફાઇનલ મેચ 26મીએ જયપુર ખાતે રમાશે.
એલીટ ગ્રુપ-સીમાં પોતાની તમામ પાંચેય મેચ જીતી સૌરાષ્ટ્રની ટીમે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાન સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જયપુરના સવાઇ માનસિંગ સ્ટેડિયમ ખાતે બુધવારે રમાયેલા ક્વાર્ટર ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતી ફિલ્ડીંગ લેવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રના બોલરોની આગ ઝરતી બોલીંગનો સામનો કરવામાં વિદર્ભના બેટ્સમેનો નિષ્ફળ નિવડ્યા હતા.
વિદર્ભની ટીમ માત્ર 40.3 ઓવરમાં 150 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. એકમાત્ર અપૂર્વ વાનખડેએ સૌરાષ્ટ્રના બોલરોનો મક્કમતા પૂર્વક સામનો કરતા 69 બોલમાં 72 રન ફટકાર્યા હતા. સૌરાષ્ટ્ર વતી સુકાની જયદેવ ઉનડકટ, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજ ચુડાસમાએ બબ્બે વિકેટો ખેડવી હતી. ચેતન સાકરિયા અને પ્રેરક માંકડે એક-એક વિકેટ ખેડવી હતી.
151 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમની શરૂઆત ખરાબ થવા પામી હતી. માત્ર 35 રનમાં સૌરાષ્ટ્ર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે ત્યારબાદ પ્રેરક માંકડ અને અર્પીત વસાવડાની જોડીએ વધુ વિકેટની નુકશાની અટકાવી માત્ર 29.5 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી 151 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પ્રેરક માંકડે 72 બોલમાં 10 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી અણનમ 77 રન ફટકાર્યા હતાં. જ્યારે અર્પીત વસાવડાએ 66 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 41 રન ફટકાર્યા હતા. જ્યારે અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં સર્વિસીસની ટીમે કેરેલાને પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
આવતીકાલે જયપુર ખાતે પ્રથમ સેમિફાઇનલ મેચમાં હિમાચલ પ્રદેશ અને સર્વીસીસ વચ્ચે બીજા સેમિફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે જંગ જામશે જેમાં વિજેતા બનનારી બંને ટીમો વચ્ચે 26મી ડિસેમ્બરના રોજ જયપુર ખાતે વિજય હઝારે વનડે ટ્રોફીનો ફાઇનલ મેચ રમશે. ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રનું પ્રદર્શન શાનદાર રહેવા પામ્યું છે. પાંચેય લીગ મેચમાં જીત મેળવ્યા બાદ ક્વાર્ટર ફાઇનલમાં પણ વિજય હાંસલ કરી લીધો છે. આવતીકાલે સવારે 9 કલાકથી સેમિફાઇનલ મેચનો આરંભ થશે.