ટ્રકમાં રહેલ રૂ. ૪૩.૫૨ લાખનો કોપર વાયર પોલિસે જપ્ત કર્યો: ટ્રકમાં જીપીએસ સિસ્ટમ હોવાથી આરોપીઓનું કારસ્તાન અસફળ રહ્યું
નાસિકમાં ડ્રાઈવરની હત્યા કરી લૂંટ કરનાર બે શખ્સો સેલવાસથી ઝડપાયા હતા. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી રૂ. ૪૩.૫૨ લાખની કિંમતનો કોપર વાયર જપ્ત કરીને તેને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે બંને આરોપીઓની ૭ દિવસની પોલીસ રિમાન્ડ મંજૂર કરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ અહેમદનગર જતા રૂ ૪૩.૫૨ લાખની કિંમતનો કોપર વાયર ભરીનો જતા ટ્રકનાં ડ્રાઈવરે આરામ ફરમાવવા વાપી નજીક હોલ્ટ પાડયો હતો તે વેળાએ સચીન રણજીત ઢકેન ઉ.૨૪ અને વિકાસ અજીનાથ ઉ.૨૩એ મોહમદ અંસાર અજીમુલ્લા ખાન નામના ડ્રાઈવરની હત્યા કરીને ટ્રક અને તેમા રહેલ કોપર વાયરની લૂંટ ચલાવી હતી.
બંને આરોપીએ ડ્રાઈવરની હત્યા નીપજાવ્યા બાદ લાશને જંગલમાં ફેંકી દીધી હતી. બાદમાં ટ્રક લઈને તેઓ ફરાર થઈ ગયા હતા ટ્રકમાં જીપીએસ સીસ્ટમ લગાવેલી હોય, ટ્રકનો રૂટ બદલાતા કંપનીએ તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જેના પગલે બંને આરોપીઓ ઝડપાયા હતા પોલીસે બંને આરોપીઓને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે બંને આરોપીઓનાં ૭ દિવસનાં રીમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલે ક્રાઈમ બ્રાંચના એચસી રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે.