વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન
પ્લાસ્ટીક સર્જન ડો.ધિસુલાલ ચૌધરી દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન
પગની સંપૂર્ણ ચામડી ખોઈ બેસેલા દર્દીને લગાવાઈ નવી ચામડી
દાદરાનગર હવેલીના સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં એક મોટી સર્જરી કરવામાં આવી છે અને આ ઓપરેશન સફળ ર્હયું છે. ઓપરેશન ડો.ધિસુલાલ ચૌધરીએ કર્યું છે જે પ્લાસ્ટીક સર્જન છે. ૩૨ વર્ષના મનોજ શાહને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં રેલ્વે દુર્ઘટના બાદ લાવવામાં આવ્યા હતા.
જેનો એક પગ સંપૂર્ણ ભાંગી ગયો હતો અને હાડકાઓ ક્રેક થઈ ગયા હતા. અકસ્માતમાં પગની આખી ચામડી નીકળી ગઈ હતી. આ દર્દીનું ડો.ધિસુલાલ ચૌધરી, ડો.દિપક રોહિત (હાડકાના સ્પેશ્યાલીસ્ટ) સહિતની ટીમે ચેકઅપ કર્યું હતું. આરોગ્ય વિભાગના નિર્દેશક ડો.વી.કે.દાસને આ બાબતે જાણકારી આપી અને તેમની સાથે દર્દીના પગને જો બચાવી શકાય તેવી પૂરી કોશીષ કરવા સારવાર કરવાનું સુચવ્યું.
ડો.ધિસુલાલ ચૌધરી અને તેમની સર્જરી ટીમે આ કેસ પર ચર્ચા કરી દર્દીનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. ડો.દિપક રોહીત અને તેની ટીમે જેવી રીતે હાડકાનું ઓપરેશન કર્યું તેવી રીતે ૩૨ વર્ષના મનોજ શાહની પ્લાસ્ટીક સર્જરી કરવાનો નિર્ણય લીધો.
દર્દીને ઓપરેશન માટે સમજાવાયું અને તેના પરિવારની સહમતી લઈ ઓપરેશન કરાયું. ઓપરેશન પછી હવે મનોજ શાહ કે જેઓ કમરખલ ગામના રહેવાસી છે અને તેઓ સ્વસ્થ છે. તેના પગમાં સફળતાપૂર્વક નવી ચામડી લગાવાઈ છે જે દર્દીના બન્ને સાથળમાંથી લેવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન ડો.અનુપ અગ્રવાલ અનેસ્થેટિસ્ટ પણ હાજર હતા.
ડો.વી.કે.દાસ (સ્વાસ્થ્ય નિર્દેશક)એ જણાવ્યું કે, અમારો વિભાગ દર્દીને સારી સુવિધા મળે તેના માટે તત્પર છે. આ દર્દી ગત તા.૧૦ના રોજ હોસ્પિટલમાં આવ્યા જેના કેસની મારી સાથે ડો.ધિસુલાલ ચૌધરીએ ચર્ચા કરી કે, આવી રેલ્વે દુર્ઘટનાનો ભોગ બનેલા દર્દીનું ઓપરેશન કરવામાં આવે તો પગ બચાવી શકાય તેમ છે.
આ માટે યોગ્ય સારવાર મળે તેવી પૂરી કોશીષ કરવામાં આવશે અને તા.૧૧-૮ના રોજ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમને આનંદ છે કે, આ ઓપરેશન સારી રીતે સફળ થયું છે અને દર્દી સ્વસ્થ છે. ત્રણ મહિના પછી દર્દી પોતાની દવા અને ડોકટર સાથે વાતચીત કરવા આવશે. દર્દીના પરિવારજનો પણ આ સારવારથી ખુશ છે અને હોસ્પિટલ અને ડોકટરની ટીમનો આભાર માન્યો છે.