- 6 જૂન સુધી ચાલનારા આ સમર કેમ્પમાં બાળકોને સંગીત, નૃત્ય, રંગકલા, નાટ્ય, યોગ અને ખેલકૂદ સહિતના વિષયો અંગે પ્રશિક્ષણ અપાશે
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ તેમજ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સંયુક્ત પ્રકલ્પે આયોજિત સમર કેમ્પ કલામૃતનો આજ રોજ શુભારંભ થયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં તા.1 જૂન 2023 થી 6 જૂન 2023 સુધી બાળકોને જ્ઞાનની સાથે સર્જનાત્મક અભિવ્યક્તિ, ગીત-સંગીત અને નૃત્ય, રંગકલા, નાટ્યકલા, યોગ, ખેલકૂદ સહિતના વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવશે.
સમર કેમ્પના ઉદઘાટન સત્રમાં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ સંઘ પ્રદેશના શિક્ષણ વિભાગના મદદનીશ શિક્ષણ નિયામક પરીતોષભાઈ શુક્લ, માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષણાધિકારી અનિલભાઈ ભોયા તેમજ પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષણાધિકારી જયેશભાઈ ભંડારીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ પ્રસંગે પરીતોષભાઈ શુક્લએ પોતાના અધ્યક્ષિય ઉદ્દબોધનમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો.હર્ષદ પટેલ માટે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ સમર કેમ્પ સંઘપ્રદેશના બાળકોમાં નવી ઊર્જાનો સંચાર કરશે. આ પ્રસંગે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સપ્તધારા વિભાગના અધ્યક્ષ ડો.પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે નિવાસી શિબિર બાળકોના સર્વાંગી વિકાસ અને સર્જનાત્મકતામાં વધારો કરશે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મા. કુલપતિ ડો. હર્ષદ પટેલની પ્રેરણાથી સપ્તધારા વિભાગ દ્વારા તેમજ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ સંઘપ્રદેશના સંયુક્ત ઉપક્રમે આ સમર કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. આ ઉદઘાટન સત્રનું સંચાલન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ધર્માંશુ વૈદ્યે કર્યું હતું. આ સમર કેમ્પમાં દાદરા અને નગર હવેલીની વિભિન્ન વિદ્યાલયોંના 300 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.