‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત
નૃત્ય, ભાંગડા, રાજસ્થાની ડાન્સ, ભરત નાટ્યમ, કથક, સ્વચ્છતા અને વ્યસન મુક્તિના નાટકો યુવા પ્રતિભાઓએ રજૂ કર્યા
નેહરુ યુવા કેન્દ્ર સેલવાસ દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ અંતર્ગત ઈન્ટર સ્ટેટ યુથ એકસચેન્જ કાર્યક્રમ દરમિયાન ટાઉન હોલમાં ચંદીગઢ, પંજાબ, દાદરાનગર હવેલી અને ગુજરાતના યુવા કલાકારો દ્વારા વિવિધતામાં એકતાનું દર્શન એ પ્રકારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન સ્વાધીન વુમેન ફાઉડેશન અને દાદરાનગર હવેલીના એડવાઈઝરી કાઉન્સીલના સદસ્ય અંકિતાબેન પટેલના હસ્તે દિપ પ્રાગટય થકી કરાયું હતું.
ગાંધીનગરથી ખાસ પધારેલા હિતેન્દ્રભાઈ સોલંકીએ યુવાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમથી યુવા કલાકારોને પોતાની પ્રતિભા અને કલા પ્રદર્શીત કરવાનું પ્લેટફોર્મ મળે છે. તેમનો આત્મવિશ્વાસ વધે છે અને વિવિધતામાં એકતાના દર્શન થાય છે. આ અવસરે નૃત્ય, ભાંગડા, ટીમલી નૃત્ય, રાજસ્થાની ડાન્સ, ભરત નાટ્યમ અને કથક, ગુજરાતની લોકકલા સંસ્કૃતિનો કાર્યક્રમ, સ્વચ્છતા અને વ્યવસન મુક્તિના નાટકો યુવાનોએ રજૂ કર્યા હતા. તેઓને પ્રોત્સાહિત ઈનામો પણ અપાયા હતા.
અંકિતાબેન પટેલે પણ આ પ્રસંગે ‘એકતા કા દર્શન’ પર ખુશી વ્યકત કરી હતી અને કલાકારોને બિરદાવ્યા હતા. દાદરાનગર હવેલીના કલાકારો આગામી મહિનામાં ચંદીગઢ જશે. ત્યારે તેઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે હાર્દિક વ્યાસ, સીમાબેન વ્યાસ, પ્રશાંત બરડે, રજનીકાંત સુથાર સહિત ચંદીગઢના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમ ૨૯ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે તે દરમિયાન સોમવારે કિશાન પ્રશિક્ષણ કેન્દ્રમાં પણ કાર્યક્રમ યોજાયો હતો જયાં યુવાઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી. નહે‚ યુવા કેન્દ્રના પ્રમુખ પ્રદિપ બધેલા ગુજરાતથી પધારેલ હતા. તેમની સાથે સિધ્ધાર્થભાઈ સહિત અન્ય લોકો હાજર રહ્યાં હતા.