સરકારે ઓકસીટોશીન પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદ્યા બાદ ડૉકટરોની રજુઆતના પગલે પ્રતિબંધ હળવો
દેશમાં ઓકસીટોશીનનો વધી રહેલો દુરઉપયોગ રોકવા ડ્રગ ટેકનીકલ એડવાઈઝરી બોર્ડ દ્વારા માનવજીંદગી બચાવવા માટે આવશ્યક એવા ઓકસીટોશીનના વેચાણ પર મુકેલો સંપૂર્ણ પ્રતિબંધ હળવો કરી આંશિક છુટછાટ આપી હવેથી હોસ્પિટલો અને નકકી કરેલા જનઔષધી કેન્દ્રો માટે ઓકસીટોશીનની દવાનું વેચાણ કરવાને છુટ આપી છે.
જાણવા મળતી વિગતો મુજબ પ્રસુતાઓ તેમજ અકસ્માતના કિસ્સામાં માનવજીંદગી બચાવવા માટે ઓકસીટોશીન નામની દવાનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ ઓકસીટોશીન દવાને પશુપાલકો તેમજ અન્ય લોકો દ્વારા ગેરઉપયોગ કરી દુધ ઉત્પાદન વધારવા માટે છુટથી ઉપયોગ કરવામાં આવતા આ મામલે સરકારના ડ્રગ ટેકનીકલ એડવાઈઝરી બોર્ડ દ્વારા ઓકસીટોશીનનું વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી મેડિકલ સ્ટોરમાં વેચાણ તેમજ ઉત્પાદન પણ બંધ કરાવી દેવા હુકમ કર્યો હતો.
બીજી તરફ કટોકટીના સમયે માનવજીંદગી બચાવવા માટે ઓકસીટોશીન અત્યંત જરૂરી હોવાના કારણે ડોકટરોએ આ મામલે વિરોધ કરતા સરકારના ડ્રગ ટેકનીકલ એડવાઈઝરી બોર્ડ દ્વારા ગંભીર વિચારણાના અંતે ઓકસીટોશીનનું વેચાણ અને ઉપયોગ કરવા માટે હોસ્પિટલો તેમજ જનઔષધી કેન્દ્રોને છુટછાટ આપી છે.
જોકે ઓકસીટોશીનના ઉત્પાદન પર સરકારે પ્રતિબંધ હળવો કર્યો નથી અને દેશની એકમાત્ર બેંગ્લોરની કંપની જે ઓકસીટોશીનનું ઉત્પાદન કરે છે તેને જ ઓકસીટોશીન દવા ઉત્પાદન કરવા મંજુરી આપી છે. જયારે અન્ય ખાનગી કંપનીઓને ઓકસીટોશીનના ઉત્પાદનની મનાઈ ફરમાવી છે.