કોરોનાની પ્રવર્તમાન મહામારીમાં આ મહામારીથી વધુ સંક્રમિત દરદીઓની સારવાર માટે ઓકસીજનની જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી કરી શકાય તેવી અભિનવ પહેલ રાજકોટના યુવા સાહસિકોએ પ્રાયોગિક ધોરણે પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવીને કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ફેરબી ટેકનોલોજી પ્રાયવેટ લિમીટેડના યુવા ઇજનેરોએ આ પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટરનું ગાંધીનગરમાં નિદર્શન કર્યુ હતું.
વિજયભાઇ રૂપાણીએ આ યુવાઓને તેમના આ ઇનીશ્યેટીવ માટે અભિનંદન અને પ્રોત્સાહન આપતાં કહ્યું કે, રાજકોટની આ પહેલ આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ગુજરાતને સાકાર કરશે.
મુખ્યમંત્રી સમક્ષ આ પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટનટ્રેટરનું નિદર્શન કરતાં શ્રી મુકેશ વીરડીયા એ જણાવ્યું કે, ૧૦ લીટર પ્રતિ મિનીટનો ઓકસીજન ફલો ધરાવતું આ મશીન પ્લગ એન્ડ પ્લે-પોર્ટેબલ છે અને તેના દ્વારા એક સાથે બે દરદીઓને સારવાર આપી શકાય તે માટે બે ફલો ધરાવતું આ મશીન છે. તેમણે કહ્યું કે, આ મશીન પ્રાયોગિક ધોરણે ત્રણ દિવસ માટે ટેસ્ટીંગ કર્યા બાદ હવે રશિયન સ્ટાર્ન્ડડ પ્રમાણેના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરી-પરવાનગીઓ મેળવ્યા બાદ જ ફાયનલ પ્રોડકટ ટ્રાયલ રન માટે તબીબોને અપાશે.
આ પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટરમાં શ્વાસમાં ભેજ આવતો ન હોવાથી ભેજ જન્ય અન્ય રોગ કે મ્યુકોરમાઇસેસીસ જેવા રોગની સંભાવના આ મશીનના ઉપયોગ બાદ નહિવત છે એમ તેમણે મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નિદર્શન નિહાળ્યા બાદ તેમને જરૂરી મંજૂરીઓ મેળવવામાં રાજ્ય સરકાર માર્ગદર્શન આપશે તેમ યુવા સાહસિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું. આ પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટરનું નિદર્શન રાજકોટ મહાનગરના વોર્ડ-૬ ના કોર્પોરેટર બિપીન બેરા સાથે સર્વ મુકેશ વીરડીયા, રાજેન્દ્રભાઇ, ગોવિંદભાઇ માલીયા અને ઉમેશભાઇ એ મુખ્યમંત્રી સમક્ષ કર્યુ હતું.