પોતાના લાભ ખાતર ગમે તે બોલી નાખવાની રાજકારણીઓની કુટેવ વિવાદને નોતરી રહી છે, જીભ ઉપર કાબુ નેતાનો પ્રથમ ગુણ હોવો જોઈએ
રાજકારણમાં સ્વાર્થના સોદા જોવા મળી રહ્યા છે. પોતાના લાભ ખાતર ગમે તે બોલી નાખવાની રાજકારણીઓની ફૂટેવ વિવાદોને નોતરી રહી છે. ત્યારે નેતાઓએ એ સમજવાની જરૂર છે કે પહેલા તો તેઓની જીભ ઉપર કાબુ હોવો જ જોઈએ.
ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે ઓવૈસી રાષ્ટ્રવાદી ભલે ન હોય પણ દેશભક્ત છે. આ નિવેદને દેશભરમાં રમૂજ ફેલાવી દીધી છે. બીજી તરફ ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ 3 ફેબ્રુઆરીએ લોકસભામાં તેમના સંબોધન દરમિયાન, રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવમાં ભાગ લેતી વખતે કહ્યું હતું, તમને ભાવિ ભારતનો ડર છે. તમને એ ભારતનો ડર લાગે છે. જ્યાં એક જૈન છોકરો ઘરેથી છુપાઈને અમદાવાદના રસ્તા પર એક ગાડીમાંથી કાઠી કબાબ ખાય છે. આ વિવાદીત નિવેદનથી જૈન સમુદાયના લોકોમાં વિરોધ વંટોળ ઉભો થયો છે. આ બન્ને નિવેદન સ્પષ્ટ કરે છે કે નેતાઓ પોતાના ફાયદા માટે ગમે તે બોલી નાખે છે.
બાદમાં વિવાદો સર્જાઈ છે. સ્વામીનું નિવેદન તો તેના અંગત સંબંધોના કારણે હોય શકે છે. પણ ટીએમસીના સાંસદના નિવેદને હદ પાર કરી નાખી છે. તેઓએ પોતાના રાજકારણ સાથે ધર્મને જોડ્યો છે. સંસદની અંદર આવું કરવું યોગ્ય નથી. કોઈ ધર્મ વિશે બોલવું અને ટીકા કરવાનો કોઈને હક નથી. એક સાંસદ જેવા જવાબદાર હોદા ઉપર બિરાજેલા વ્યક્તિ આવુ કૃત્ય કરે તે ખરેખર શરમજનક કહેવાય. જે સમાજ શાકાહારમાં માને છે. આખા વિશ્વમાં તેમનું ભોજન સાત્વિક અને શુદ્ધ શાકાહારી તરીકે ઓળખાય છે. તેઓને માંસાહારી બતાવીને સાંસદે સમગ્ર ધર્મનું અપમાન કર્યું છે. ત્યારે જૈન સમુદાયમાં આ નેતા સામે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.