જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ શોપિંગ મોલ, બાલભવન, ગાંધી મ્યુઝિયમ સહિતના સ્થળોએ સેલ્ફી પોઈન્ટ મુકાશે: યુવા મતદારો ખુદ પોતાની સેલ્ફી ખેંચીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી જાતે જ મતદાર જાગૃતિ ફેલાવશે
મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે યુવા મતદારોને મતદાર જાગૃતિ અભિયાનનો ભાગ બનાવવા જિલ્લા ચૂંટણી તંત્રએ શહેરના ૧૦ સ્થળોએ સેલ્ફી પોઈન્ટ મુકવાનો નિર્ણય લીધો છે. આ સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી ખેંચી યુવા મતદારો તેને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી જાતે જ મતદાર જાગૃતિ ફેલાવશે.
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણીપંચની સુચના અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર કમરકસી રહ્યું છે. મતદાર જાગૃતિ અર્ંથે હાલ જિલ્લા ચૂંટણી તંત્ર સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી રહ્યું છે. મતદાર જાગૃતિ રેલી, ઉદ્યોગો વસાહતમાં વિવિધ સેમીનારો, મતદાર જાગૃતિ રથનું પરિભ્રમણ સહિતના આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. વધુમાં હાલ યુવાનોમાં સેલ્ફીનો જે ક્રેઝ છે તેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી તંત્રએ વિશેષ કાર્યક્રમ ઘડી કાઢયો છે. સૌપ્રથમ જિલ્લા કલેકટર કચેરી ખાતે સેલ્ફી પોઈન્ટ બનાવાયો છે જેમાં એક પુઠાની વિશાળ આડસ મુકવામાં આવી છે. તેની પાછળ વ્યક્તિ ઉભો રહીને પોતાનો ફોટો ખેંચાવીને તેને સોશ્યલ મીડિયામાં અપલોડ કરે છે.
જિલ્લા કલેકટર કચેરી ખાતે સેલ્ફી પોઈન્ટમાં સૌપ્રથમ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ અને અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ પોતાનો ફોટો ખેંચી તેને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરાવીને મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી. આમ જે રીતે કલેકટર કચેરી ખાતે સેલ્ફી પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે તે રીતે શહેરમાં ૧૦ જગ્યાએ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવનાર છે. વિવિધ શોપીંગ મોલ, બાલભવન, ગાંધી મ્યુઝિયમ સહિતના જાહેર સ્થળોએ ચૂંટણીના આઈકોન ચેતેશ્ર્વર પૂજારાના ફોટાવાળા સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવનાર છે. યુવા મતદારો આ સેલ્ફી પોઈન્ટ પર ફોટો ખેંચીને સોશ્યલ મીડિયામાં અપલોડ કરી પોતે જ મતદાન જાગૃતિ અભિયાનનો ભાગ બનશે.