એક તરફ વરસાદી માહોલ છે ત્યારે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં પોરબંદરના દરિયાકાંઠે કરુણાંતિકા સામે આવી છે. પોરબંદરના કુછડી ગામ નજીક દરિયામાં જામનગરનો પરિવાર સેલ્ફી લઈ રહ્યો હતો આ દરમિયાન દરિયામાં મોજા ઉછળતા આ મોજામાં બે મહિલા અને એક બાળક સહિતનો પરિવાર તણાયા હતા. દરિયાના મોજાએ થપાટ મારીને પરિવારને પછાડી દીધા હતા જેમાં બે મહિલાઓને આસપાસના લોકોએ બચાવી લીધી હતી. જ્યારે બાળક તણાઈ ગયો હતો.
આ દુ:ખદ ઘટનાની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર પોરબંદર ખાતે જામનગરનો પરિવાર ફરવા આવ્યો હતો. જે વરસાદી વાતાવારની મોજ માણવા કુછડી ગામ નજીક દરિયા કિનારે ગયો હતો આ દરમિયાન તીવ્ર મોજાની થપાટમાં બે મહીલા અને એક બાળક ડુબવા લાગ્યા હતા જેમણે દેકારો બોલાવતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને તાબડતોડ બચાવ કામગીરી હાથ ધરી હતી. જેના ફળ સ્વરૂપે બે મહિલાઓને હેમખેમ ઉગારી લેવામાં આવી હતી જયારે બાળક દરિયામાં લાપતા બન્યો હતો. મળતી વિગત મુજબ દરિયામાં સેલ્ફી લેતી વેળાએ આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.