૨૯ અને ૩૦ ઓક્ટોબરની તાલીમમાં વિદ્યાર્થીઓની સાથે ભવનની બહેનો પણ જોડાઈ શકશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી ગાઈડ નિલેશ પંચાલની લીલા છાપરે ચડી પોકાર્યા બાદ યુનિવર્સિટીના સતાધીશો સજાગ થઈ ગયા હોય તેમ હવે બહેનોને સ્વરક્ષણની તાલીમનું આયોજન ઘડી કાઢ્યું છે. યુનિવર્સિટીમાં ૨૯ અને ૩૦ ઓક્ટોબરે બહેનોને કેળવાયેલા ટ્રેનર દ્વારા સ્વરક્ષણની તાલીમ અપાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન્ટી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ, સેન્ટર ફોર વુમન એન્ડ રીસચે, વિદુશી, વિધા વિકાસ ટ્રસ્ટ અને એ.બી.વી.પીના સયુંકત ઉપક્રમે તા. ૨૯ અને ૩૦ ઓક્ટોબરના રોજ ઇન્ડોર સ્ટેડિયમમમાં બહેનો માટે સ્વરક્ષણની તાલીમ યોજાશે જે અંતર્ગત ક્યારેક અણધાર્યા સંજોગોમાં બહેનો કપરી પરિસ્થિતિમાં મુકાય તો પોતાની હાથવગી ચીજો દ્વારા પણ સ્વરક્ષણ કરી શકે તે માટે કેળવાયેલા ટ્રેનરો દ્વારા નિદર્શન આપવામાં આવશે.
બહેનો આત્મ વિશ્વાસ સાથે સાહસિક બને, પોતાની ફિટનેસ માટે જાગૃત બને, આગેવાની લેવા માટે સક્ષમ બને અને સ્વરક્ષણ કરી શકે તેવા ઉમદા હેતુથી આ તાલીમ યોજનાર છે. જેમાં યુનિવર્સિટીના તમામ ભવનની વિદ્યાર્થીઓ સાથે બહેનો પણ જોડાઈ શકશે.