જેતપુરમાં સ્વ. સવજીભાઈ કોરાટની ૨૧મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરાયા
જેતપુરના પનોતાપુત્ર અને આદર્શ રાજકીય વ્યક્તિત્વની શ્રેષ્ઠ સુવાસ ફેલાવી હતી તેવા સ્વ. સવજીભાઈ કોરાટની ૨૧મી પુણ્ય તિથિ નિમિત્તે સવજીભાઈ કોરાટ ટ્રસ્ટ જેતપુર. જેસીઝ, જે.સી.આઇ. જેતપુર, લાયન્સ કલબ ઓફ જેતપુર અને જેતપુર બ્લડ બેંક.ના સંયુક્ત ઉપક્રમે સવજીભાઈ કોરાટ હોસ્પિટલ જેતપુર ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ, રક્તદાન કેમ્પ અને પેઢલા ગામે પશુ સારવાર કેમ્પ જશુબેન કોરાટ અને પ્રશાંત કોરાટના સહયોગથી યોજાયા હતા.
આ સેવાકીય કેમ્પોની શરૂઆત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા એ દીપ પ્રાગટ્ય કરીને સ્વ.સવજીભાઈ કોરાટને શ્રદ્ધા સુમન અર્પણ કરતા કહ્યું હતું કે જીવદયાના સેવા કાર્યોને ઉજાગર કરી સ્વ.કોરાટના જીવન આદર્શો ને સાર્થક કરીએ એજ તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગણાશે.
આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનસુખ ખાચરિયાએ સ્વ.સવજીભાઈ કોરાટ અને સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના લોકસેવાના કાર્યોને યાદ કરતા કહ્યું હતું કે આ બંને નેતાઓએ જીવનભર લોકસેવાને ચરિતાર્થ કરી હતી.
સ્વ.સવજીભાઈના ધર્મપત્ની અને પૂર્વ મંત્રી જશુબેન કોરાટએ કહ્યું હતું કે મારા પતિના જીવનમૂલ્યો અને સેવાકીય કર્યોને પૂર્ણ કરવા મારૂ પરિવાર હંમેશા પ્રયાસ કરી રહ્યાં છીએ અને લોકો એ જે પ્રેમ અને સહકાર આપ્યો છે તેનું મૂલ્ય અમારે માટે સર્વોપરી છે અને રહેશે.
આ પ્રસંગે જે.સી.આઈ. જેતપુરના પ્રમુખ નિલેશ સાવજ દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા જે.સી. મેમ્બરો કેમ્પમાં વ્યવસ્થા સહયોગી બન્યા હતા. આજના આ સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં ૫૮૦. અને નેત્ર નિદાન સારવાર કેમ્પ માં ૬૦. લોકોને નિદાન, સારવાર અને દવા આપવામાં આવેલ.
રક્તદાન કેમ્પમાં ૭૭ રક્તદાતા એ તેમનું રક્ત આપી માનવ જીવ બચાવવા માટેનું કાર્ય કરેલ . આ ઉપરાંત પેઢલા ગામે યોજાયેલ પશુ સારવાર કેમ્પમાં ૧૦૦૦થી વધુ પશુઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત પશુ પાલન વિભાગની ડોકટર ટીમે તેની સેવા આપી હતી. સર્વરોગ નિદાનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમ ની સેવા પ્રાપ્ત થઈ હતી. જેતપુર બ્લડ બેંકના પરેશ રાવરાણી અને તેની ટીમે સેવા આપી હતી.
આ પ્રસંગે જશુબેન કોરાટ પ્રશાંત કોરાટ, સુરેશ સખરેલીયા, દિનેશ ભુવા, રાજુભાઇ પટેલ, દિનકર ગુંદારિયા, રમેશ જોગી, સુભાષ બાંભરોલિયા, ધીરુ રણપરિયા, વજુભાઇ કોઠારી, જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ ભાવિક વૈશ્નેવ સહિત અગ્રગણ્ય મહાનુંભાવોની ઉપસ્થિતિ રહી હતી.