- કાલે શિક્ષણ બોર્ડની ચૂંટણી
- રાજકોટ જિલ્લાના તમામ સંચાલકો માટેની વિજય સંકલ્પ સભા ન્યુ એરા સ્કુલ ખાતે મળી: સમાન અભ્યાસક્રમ અને સમાન પરીક્ષા પધ્ધતિ માટે કટિબધ્ધતા એટલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો મત મેહુલભાઈ પરડવાને
રાજકોટ ખાતે આગામી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તા. 24 ના રોજ યોજાનાર સંચાલક સંવર્ગની ચૂંટણીના સંદર્ભે સંચાલક મંડળ રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના તમામ સંચાલકો માટેની એક વિજય સંકલ્પ સભાનું આયોજન ન્યુ એરા સ્કુલ ખાતે કરવામાં આવેલું.
આ સભામાં ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના 300 થી વધારે સંચાલકો ઉપસ્થિત રહેલા અને તમામ સંચાલકોએ એક જ સૂર સાથે વાત કરી કે આ વખતે પુનરાવર્તન નહિ પણ પરિવર્તન. આ જે પરિવર્તન છે તે શિક્ષણ જગતના ઉત્કર્ષ માટે, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સમગ્ર શિક્ષણ જગતના સર્વાંગી વિકાસ અને ગુજરાત રાજ્યના શિક્ષણને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જવાના ઉદ્દેશ્ય સાથે સ્વનિર્ભર સંચાલક મહામંડળના મેહુલભાઈ પરડવા એ સંચાલક સંવર્ગની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. ત્યારે રાજકોટ ખાતે યોજાયેલ આ વિજય સંકલ્પ સભામાં ગુજરાત રાજ્ય મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, મહામંત્રી અજયભાઈ પટેલ, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી વી મહેતા, મહામંત્રી પરિમલભાઈ પરડવા, અવધેશભાઈ કાનગડ, જયદીપભાઇ જલુ, ગ્રાન્ટેડ શાળાના નવીનભાઈ ઠક્કર, જાણીતા હાસ્યકાર સાયરામ દવે તેમજ ઉમેદવાર મેહુલભાઈ પરડવા એ ઉપસ્થિત સર્વ સંચાલકોને ઉદબોધન કરેલું. તમામ વક્તાઓ એ શિક્ષણનો ઉત્કર્ષ, ગુજરાત રાજ્યના શિક્ષણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે વિકસિત કરવું, ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં ભગવત ગીતા આધારિત અભ્યાસક્રમનું અમલીકરણ કરાવવું, રાષ્ટ્રીય શિક્ષણનીતિનો વ્યવહારુ રીતે અને સફળતાપૂર્વક અમલીકરણ કરાવવું, ગ્રાન્ટેડ શાળાના પ્રશ્નો જેવા કે શાળાની ગ્રાન્ટને મોંઘવારી આધારિત નક્કી કરાવવી, ગ્રાન્ટેડ શાળાના મહેકમ મુજબ કાયમી શિક્ષકોની ભરતી માટે કટિબધ્ધ બનવું વગેરે જેવા જુદા જુદા અનેક મુદ્દાઓના નિરાકરણ માટે મેહુલભાઈ પરડવાને વિજયી બનાવવા માટે તમામ મહાનુભાવો એ અપીલ કરેલી.
આ મિટિંગમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકા જસદણ, ઉપલેટા, ધોરાજી, પડધરી, ગોંડલ તેમજ અન્ય આજુબાજુના તાલુકાઓ કે કાલાવડ, ટંકારા, કોટડા સાંગાણી, લોધિકા વગેરેના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહેલ. તમામે સાથે મળીને વિજય સંકલ્પ માટેની કટિબદ્ધતા દર્શાવેલી. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જિલ્લાના તેમજ ગુજરાત રાજ્યના તમામ ગ્રાન્ટેડ, સરકારી, તેમજ સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને ગુજરાત રાજ્યમાં શિક્ષણના સર્વાંગી વિકાસ માટે, ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ વ્યવસ્થા સાથે લઈ જવા માટે સંનિષ્ઠ, સુસંસ્કૃત, સંકલ્પબધ્ધ, યુવાન ઉમેદવાર એવા મેહુલભાઈ પરડવાને મત આપી જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવે છે. ખાસ આ મિટિંગમાં રાજકોટ જિલ્લાના તમામ હોદ્દેદારો, ઝોન ઉપપ્રમુખ, કારોબારીના મિત્રો, કોર કમિટીના સભ્યો તેમજ દરેક સંચાલક દ્વારા સમગ્ર ગુજરાતભરમાં આ ચૂંટણીમાં મેહુલભાઈ પરડવાને વિજય બનાવવા માટે કરવામાં આવેલ ભગીરથ પ્રયત્નને ખાસ બિરદાવવામાં આવેલ હતા.