લોકોના સુખ અને દુ:ખની દરકાર કરતી રાજ્ય સરકાર
કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે નાના-મોટા વ્યવસાયકારોને આર્થિક રીતે ઘણી નુકશાનીનો સામનો કરવો પડયો છે. ત્યારે ગુજરાત અને ગુજરાતવાસીઓને આર્થિક ક્ષેત્રે ફરીથી અડીખમ બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રીએ જાહેર કરેલા આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અંતર્ગત ૧ લાખ સુધીની લોન આપવામાં આવી રહી છે.
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના થકી આત્મનિર્ભર બનેલા રાજકોટના મનિષભાઈ દવેએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કોરોનાને કારણે જ્યારે પહેલું લોકડાઉન થયું તેના બે મહિના પહેલા જ મેં મેડીવસ કીચનના નામ સાથે હોમ મેઇડ ફુડનો વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ કોરોનારૂપી કાળનું ચક્ર એવું ફર્યું કે, મારો ધંધો સરખી રીતે જામે તે પહેલા જ બંધ થઈ ગયો. લોકડાઉન બાદ જ્યારે ધંધો ફરી શરૂ કરવાનો થયો તો નાણાકીય સ્થિતિ સારી નહોતી. તેવા સમયે મુખ્યમંત્રીની આત્મનિર્ભર સહાય યોજનાએ મારી નાણાકીય આફતને અવસરમાં પલટી હતી. મારા અને મારા પરિવારના ચહેરા પર ખુશીઓ રેલાવી હતી.
રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી ૧ લાખ રૂપિયાની લોન મળતાં મારા વ્યવસાયમાં નવા પ્રાણ ફુંકાયા છે. લોનની રકમથી ધંધાને જરૂરી એવી સામગ્રી, રો-મટીરીયલ્સ, નાના-મોટા ખર્ચા ચુકવ્યા બાદ મારી સ્થિર આવક શરૂ થઈ ગઈ છે. વધુમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકારની માર્ગદર્શિકા મુજબ હોમ મેઇડ ફુડ બનાવતી અને વેચતી વેળાએ માસ્ક, ગ્લોવ્ઝ અને સેનેટાઈઝર અને સાવચેતીના દરેક પગલાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેમ મનિષભાઈએ જણાવ્યું હતું.