જરૂરીયાતમંદોને વિનામૂલ્યે અપાય છે વાલ્વ
મોરબીમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે દર્દીઓને તાતી જરૂર છે ત્યારે હોસ્પિટલમાં અને કોવિડ સેન્ટરોમાં દર્દીઓને આપવા માટે ઓક્સિજન મેઇન્ટેન કરવા માટે ખાસ પ્રેશર કંટ્રોલ વાલ્વની જરૂર પડતી હોય ત્યારે મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગર ગામે રહેતા વાહન રીપેરીંગનું ગેરેજ ચલાવતા માત્ર આઠ ચોપડી ભણેલા જયેશભાઇ શેખવાએ જણાવ્યું હતું કે, હું ભણેલો ભલે ઓછું હોય પણ મારામાં કુદરતી બક્ષિસ જ એવી છે કે, હું વાહનો કે અન્ય કોઇ કામમાં ઉપયોગમાં લેવાતા મશીનો કે સ્પેર પાર્ટ એકવાર બરોબર રીતે જોઈ લઉં તો તરતજ એના જેવા આબેહૂબ મશીન બનાવી શકું એવી મારી કોઠાસૂઝ છે. દરમિયાન હમણાંથી કોરોનાની ઘરે ઘરે બીમારી ફેલાઈ ગઈ છે ત્યારે મારા એક પરિચિત વ્યક્તિ પણ કોરોનાની બીમારીમાં સપડાયા પછી એમને ઓકિસજનની જરૂર પડી પણ ઓક્સિજનના સિલિન્ડરનું પ્રેશર કંટ્રોલ કરી શકે તેવા વાલ્વની ઘટ હોવાથી મુશ્કેલીમાં મુકાયા હતા.
આવા કપરા સમયે મારી કોઠાસૂઝ જોઈને મારા મિત્રોએ મને પ્રેશર કંટ્રોલ વાલ્વ બનાવવાની સલાહ આપી અને એના માટે આર્થિક સહયોગ પૂરો પડયો. પછી મેં એ મશીનનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને બજારમાં મળતા મટીરીયલ મંગાવ્યા એ સાથે જ શરૂ થયું પ્રેશર કંટ્રોલ વાલ્વ બનાવવાનું કાર્ય એમાં સફળતા પણ મળી છે અને છેલ્લા ચાર દિવસમાં આવા 37 જેટલા મશીન બનાવવા અને હજુ આ કાર્ય ચાલુ જ છે. એક વાલ્વ મશીન બનાવવા માટે રૂ. 1200/- જેટલો ખર્ચ થાય છે. પણ હું જરૂરિયાતમંદ દર્દીઓને આ વાલ્વ વિનામૂલ્યે આપે છે. જ્યારે અમુક પાસેથી માત્ર મટીરીયલનો જ ખર્ચો લેવામાં આવે છે.ં. આ કામ વ્યવસાય માટે નહીં પણ બીજાને ઉપયોગી થવા માટે કરું છું તેમ તેમણે જણાવ્યું હતું.