- ‘આત્મવિશ્ર્વાસ જેવો કોઈ બીજો મિત્ર નથી. આત્મ વિશ્ર્વાસ જ ભાવિ ઉન્નતિની સીડી છે.’: સ્વામી વિવેકાનંદ
આત્મા પરનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ. ખૂબ જ સરસ અને સમજવા જેવી વાત છે કે, આત્મામાં ઈશ્વરનો અંશ છે એનો મતલબ એ થયો કે તમારામાં ઈશ્વરનો અંશ છે.તમારે તમારા આત્માનો અવાજ સાંભળવાનો છે અને એ સાંભળીને સાચો માર્ગ પસંદ કરવાનો છે.આત્મા ક્યારેય ખોટા રસ્તે તમને નહીં લઈ જાય.અને ધારો કે તમે ખોટા રસ્તે હશો તો આ આત્મા તમને અંદરથી ડંખ મારશે.બહુ સરળ શબ્દોમાં કહીએ તો માત્ર દિલનો અવાજ સાંભળો મન અને દિલ બંનેનો નહીં.મન તમને તાર્કિક અને સાચા ખોટા કારણોમાંથી માર્ગ પસંદ કરવાનું કહેશે,પણ દિલ તમને વિશ્વાસ સાથે માર્ગ પસંદ કરવાનું કહેશે.દિલથી પસંદ કરેલા માર્ગમાં તમને ઠોકર લાગી શકે પણ એ માર્ગ ખોટો નહીં હોય,એની પૂરી ખાતરી છે.એ જ તો આત્મવિશ્વાસ છે.સાચી રીતે અને સારી રીતે સારામાં સારાં કર્મ કરો,કામ કરો અને એ કામમાં તમને તમારી જાત જ મદદરૂપ થાય.આ જ રીતે તમે લોકો પર વિશ્વાસ પણ કરી શકો કે આ માણસ દિલમાં વસાવવા લાયક છે કે નહીં.
જીવનના દરેક કાર્ય દિલને પૂછીને કરવા જોઈએ.દિલ જો હા કહે તો આગળ વધો.કોઈ ભેજું લગાડવાની જરૂર નથી.જો કોઈ ભય હોય તો એ ભય પણ ભવિષ્યનો જ હોય છે.આ ભય કાલ્પનિક હોય છે.પરીક્ષા સારી જશે કે નહી ? પાસ થઈશ કે નહીં ? પાસ થઈશ તો સારા માર્ક આવશે કે નહીં ? છોકરી સારી મળશે કે નહીં ? છોકરી સારી મળશે તો માબાપને સાચવશે છે કે નહીં ? અને મા બાપને સાચવશે તો શું ખરેખર મને પ્રેમ કરશે ? આવી અને આ પ્રકારની બીજી જે કોઈ મૂંઝવણ આવે એ સમયે તમારે તમારા આત્માનો – તમારો દિલનો અવાજ સાંભળવાનો છે.દિલ દગો નહીં આપે.અને આ દિલના રસ્તે જ આપોઆપ આત્મવિશ્વાસ આવી જશે.અને જો આત્મવિશ્વાસ આવી ગયો તો તમે દરેક ભયને,દરેક ડરને આ જ રીતે મહાત કરી શકશો.માત્ર દિલનો અવાજ સાંભળીને તમે જુઓ આ દિલ શું શું આપે છે.દયા.દયા ક્યાંથી આવે છે ? પ્રેમ.પ્રેમ ક્યાંથી આવે છે ? દિલમાંથી જ ને ! અહોભાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? દિલમાંથી.રડવાનું મન કયાંથી થાય છે ?દિલમાંથી.આ એક પણ કામ મનનાં નથી બલકે દિલના છે.હવે તમે જ કહો કે આ દિલ પાસેથી જવાબ માંગ્યો હોય તો એ ક્યારેય ખોટો હોઈ શકે ?તમારા આત્મા સાથે તમારો અવાજ ભળ્યો છે અને એટલે જ એ ક્યારેય ખોટો નહીં હોય.
અંતરાત્માના અવાજને અનુસરીને ચાલશો તો ક્યારેય તમારું ખરાબ નથી થવાનું.તમારે માત્ર શાંતિથી દિલને પૂછવાનું છે કે શું કરવું જોઈએ ? દિલ જે જવાબ આપે,એ સાચો.એ જવાબ તમારા આત્મવિશ્વાસમાંથી આવ્યો હશે એટલે બાકીનાં કામ તો આત્મવિશ્વાસથી જ થવાના છે.
સાચું બોલનારને જીવનમાં ક્યારે અટકવું નથી પડતું.મહેનત કરવાની સાથે સાથે સાચી દિશા પકડી રાખવી જોઈએ.આમ કરવાથી જીવનમાં આપોઆપ આત્મવિશ્વાસ આવી જશે.ક્યારેય ખોટી રીત શોધવી નહીં.ખોટા રસ્તા પણ શોધવાના નહીં.અને ખોટાં કામ પણ નહીં કરવાના.ખોટું તો ક્યારેય બોલવું જ નહીં.આમ કરવાથી આત્મવિશ્વાસ ક્યારેય પણ ખૂટશે નહીં.બીક તો હંમેશા ખોટાં કામ કરનારા ને જ લાગે અને એટલે જ તેણે કોઈના ખભા શોધવા જવું પડે છે.સાચું કરનાર ને તો ખબર જ છે કે સામે આખી દુનિયા ઊભી હશે તો પણ કોઈ તેનું બગાડી નથી શકવાના અને એટલે તેનો આત્મવિશ્વાસ ક્યારેય ઓછો થતો નથી.તમારે માત્ર એક વાત યાદ રાખવાની છે કે તમારે કોઈનું કંઈ ખરાબ કરવાનું નથી.તમે કોઈનું ખરાબ નહીં કરો,તો કોઈ તમારું ખરાબ નહીં કરે.આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ ઘટશે જ નહીં.
ભગવાને માણસનું જીવન આપ્યું પણ જીવવાનો નકશો નથી આપ્યો.એ નકશો માણસે પોતાની કોઠાસૂઝથી,આવડતથી અને કુનેહથી જાતે તૈયાર કરવાનો હોય છે.જીવનના ચિત્રમાં માણસને મનગમતા રંગ પૂરવાની સ્વતંત્રતા છે.પણ માણસ નકારાત્મક વિચારો કરી પોતાનું અવમૂલ્યન કરે તો પરિણામ શૂન્ય જ આવે.એટલે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવીને માણસ સમુન્નત બની શકે.
આત્મવિશ્વાસ એટલે પોતાની શક્તિ પર પોતાનો અખૂટ અને અડગ વિશ્વાસ. ’આ કામ મારાથી નહીં થાય’ એવી નબળી કલ્પનાનો શિકાર બનનાર કોઈપણ કામમાં સિદ્ધિ મેળવી શકતો નથી.પોતાને રંક,નિરૂપાય અને લાચાર માનવો એ જાત પ્રત્યેનો અવિશ્વાસ છે.આત્મવિશ્વાસે જ નરેન્દ્ર નામના યુવકને સ્વામી વિવેકાનંદ બનાવ્યા.મોહનદાસ કરમચંદ ગાંધીને ’મહાત્મા ગાંધીજી’ બનાવ્યા.એક સામાન્ય માણસના પુત્ર અબ્રાહિમ લિંકનને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનાવ્યા.એકલવ્ય પાસે મજબૂત મનોબળ હતું,એટલે ગુરુ દ્રોણાચાર્યની માટીની પ્રતિમા બનાવી તેમને ગુરુપદે સ્થાપી બાણ વિદ્યામાં કુશળતા પ્રાપ્ત કરી.અર્જુન પણ તાક્યા તીર મારવામાં કાબેલ હતો.મત્સ્યવેધ કરી એણે દ્રૌપદીને પ્રાપ્ત કર્યા.મનોબળ હોય તો જ મોતી પ્રાપ્ત કરનાર મરજીવો બની શકે.આત્મવિશ્વાસ અને મનોબળને આધારે જ કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ અંતરિક્ષનાં દ્વારે ટકોરા મારવા સફળ થયાં.વૈજ્ઞાનિક શોધો અને પ્રગતિને કારણે આવતીકાલનો માનવી મંગળ કે ચંદ્ર પર રહેઠાણ કરતો થઈ જશે.દિવ્યાંગતા અનુભવતાં અનેક ભાઈ બહેનોએ રમત ગમતના ક્ષેત્રે અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
નેપોલિયન બોનાપાર્ટને એક વખત સૈનિકો સાથે આલ્પ્સના પહાડો ઓળંગવાના હતા.સૈનિકોને જ્યારે સમાચાર મળ્યા કે આલ્પ્સના પર્વતો બરફ આચ્છાદિત હોવાથી ઓળંગવામાં ખૂબ જ મુશ્કેલી પડશે.આથી સૈનિકોમાં અંદરો અંદર ચણભણ થવા લાગી.નેપોલિયનને આ વાતની ખબર પડી.સૈનિકોનું મનોબળ વધારવા માટે નેપોલિયને સૈનિકોને પર્વતો ઓળંગવાની હિંમત પ્રેરી.આત્મ વિશ્વાસ જગાવ્યો. ’હું પણ તમારી સાથે જ છું ને !’ અને સૈનિકો સાથે આલ્પ્સના પર્વતો ઓળંગવાની શરૂઆત કરી. જોતજોતામાં આલ્પ્સના પર્વતો ઓળંગાઈ ગયા.કોઈને ખબર પણ ન રહી.આગળ વધતા ગયા તો સૈનિકોમાં પ્રશ્ન ઉદભવ્યો કે આપણે આલ્પ્સના પર્વતો ઓળંગવાના છે,એ ક્યારે આવશે ? ત્યારે નેપોલિયને કહ્યું કે આલ્પ્સના પર્વતો તો આપણે ક્યારના ઓળંગી ગયા છીએ.અર્થાત્ મનોબળ મજબૂત કરવામાં આવે, આત્મવિશ્વાસ જગાવવામાં આવે તે કોઈ પણ અઘરાં કાર્યો સહેલાઈથી ઉકેલાઈ જતા હોય છે.
‘હજાર બર્ફ ગિરે લાખ આંધિયાં ઊઠે,વો ફૂલ ખિલ કે રહેંગે જો ખિલને વાલે હૈ.’