રૈયાધાર પમ્પીંગ સ્ટેશને પૂરતા નર્મદાના નીર ન મળવાના કારણે વોર્ડ નં.1, 2, 8, 9 અને 10ના અનેક વિસ્તારોમાં વિતરણ નિર્ધારિત સમય કરતાં 3 થી 4 કલાક વિતરણ મોડું
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ખોબલા મોંઢે મત આપનાર રાજકોટની જનતાએ પરિણામના બીજા દિવસે જ ફરી પાણીની હાડમારી વેઠવાના દિવસો જોવા પડ્યા છે. ગઇકાલે ચૂંટણીના પરિણામમાં શહેરની ચારેય બેઠકો પર શહેરીજનોએ ભાજપના ઉમેદવારોને ભૂતકાળમાં ક્યારેય ન આપ્યું હોય તેટલી લીડ આપી છે. પરંતુ તેના મીઠા ફળ આપવાના બદલે પરિણામના બીજા જ દિવસે આંખમાંથી પાણી નીકળી જાય તેવી હાડમારી આપવામાં આવી રહી છે. રૈયાધાર પમ્પીંગ સ્ટેશન પર આજે રાજકોટને જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં નર્મદાના નીર મળ્યાં ન હતા.
જેના કારણે પાંચ વોર્ડમાં વિતરણ વ્યવસ્થા ખોરવાયું જવા પામી હતી. જ્યાં સુધી ભાજપના શાસકોને રાજકોટવાસીઓના મતની જરૂરિયાત હતી ત્યાં સુધી એક પણ દિવસ નર્મદાના નીરમાં કોઇપણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો ન હતો. છેલ્લા 35 દિવસમાં એકાદ દિવસને બાદ કરતા પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે વ્યવસ્થિત ચાલી હતી પરંતુ જેવું ચૂંટણીનું પરિણામ આવ્યું કે બીજા જ દિવસે પાણીના ધાંધિયા સર્જાવવાનું શરૂ થઇ ગયું છે.
જે રાજકોટવાસીઓએ ભાજપના ઉમેદવારોને ઐતિહાસિક લીડ આપી વિજેતાઓના આંખમાં હર્ષના આંસુ લાવી દીધા તેજ ભાજપે પરિણામના બીજા જ દિવસે પાણીની હાડમારી સર્જી લોકોની આંખો ભીની કરી દીધી, આજે રૈયાધાર પમ્પીંગ સ્ટેશન પર પૂરતા નર્મદાના નીર ન મળવાના કારણે શહેરના વોર્ડ નં. 1, વોર્ડ નં. 2, વોર્ડ નં. 8, વોર્ડ નં. 9 અને વોર્ડ નં. 10ના અનેક વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા ત્રણ કલાક મોડું પાણી આપવામાં આવતા ગૃહિણીઓમાં જબ્બરો દેકારો બોલી ગયો છે. વિકાસના નામે મત માંગનાર ભાજપના શાસકો રાજકોટવાસીઓને કાયમી પાણીનું સુખ પણ આપી શકતા નથી.