આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ચકાસણી બાદ જ ફીમાં રાહત અપાશે: એનએસયુઆઈએ ખાનગી શાળા સંચાકલોના નિર્ણયને બિરદાવ્યો
છેલ્લા ચાર મહિનાથી પણ વધુ સમય કોરોનાની મહામારીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક હાલત ખુબજ કફોડી બની ગઈ છે. એવામાં હાલ તમામ શાળાઓ ચાર મહિના કરતા પણ વધુ સમયથી બંધ અવસ્થામાં છે અને હજુ શાળા ક્યારથી ચાલુ થશે તે કહેવું ખુબજ મુશ્કેલ છે. ત્યારે રાજ્યની તમામ શાળાઓના રોજીંદા ખર્ચ જેવા કે વીજળી બીલ, ટ્રાન્સપોર્ટેશન, મેન્ટેનન્સ ખર્ચ અને અન્ય ખર્ચમાં પણ અમુક મહદઅંશે ઘટાડો થયો છે. ત્યારે રાજ્યની ઘણી બધી શાળાઓએ ફી બાબતે રાહત આપી છે. ત્યારે એનએસયુઆઈ દ્વારા ન્યુએરા સ્કૂલ ખાતે રાજકોટ ખાનગી શાળા સંચાલક મહામંડળના પ્રમુખ અને સ્વનિર્ભર શાળા સંચાલકના મહામંડળ મંત્રી સમક્ષ ફી ઘટાડાને લઈ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ ખાનગી શાળા સંચાલક દ્વારા એવું નકક્ી કરાયું હતું કે, આગામી દિવસોમાં જે આર્થિક રીતે નબળા પરિવાર છે તેઓને ફી માટે રાહત આપવામાં આવશે. એટલે કે હવે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ ફીને લઈ નબળા વિદ્યાર્થીઓને ‘રહેમરાહ’ રાખશે.
મળતી માહિતી મુજબ છેલ્લા ચાર મહિનાથી કોરોનાની મહામારીને લઈ શાળા-કોલેજો બંધ હાલતમાં છે ત્યારે શાળા-કોલેજો દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ મુદ્દે રાજકોટ ખાનગી શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ડો.અજય પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારી વચ્ચે શાળાઓ બંધ હોવાથી ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવી રહ્યાં છે. સાથો સાથ સ્કૂલોમાં પ્રવેશ પણ ચાલુ છે અને હજુ આગામી દિવસોમાં કેટલા સમય સુધી સ્કૂલો બંધ રહેશે તે નક્કી નથી. રાબેતા મુજબ શિક્ષણ કાર્ય ક્યારથી શરૂ થાય તે પણ હજુ નક્કી નથી ત્યારે આર્થિક નબળા પરિવારના વિદ્યાર્થીઓને ફીમાં રાહત મળે તે માટે રાહત આપવામાં આવશે અને ફકતને ફક્ત જે પરિવાર આર્થિક રીતે નબળો છે અને હાલની પરિસ્થિતિ મુજબ ફી ભરી શકે તેમ નથી તેઓના બાળકોની ફી છ મહિના માટે રાહત આપવામાં આવશે એટલે કે, અત્યારે ફી ન ભરે તો પણ ચાલશે. તેઓને ઓનલાઈન અભ્યાસ તો આપવામાં આવશે જ.
સ્વનિર્ભર સંચાલક મંડળના મહામંત્રી ડો.ભરતભાઈ ગાજીપરા ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાને કારણે શાળાઓ બંધ હોય પરંતુ અમારા શિક્ષકો તો નિયમીતપણે સ્કૂલે આવતા જ હોય છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવતા હોય છે ત્યારે હાલ પુરતું સ્કૂલોના ખર્ચા કાઢવા તેમજ અધ્યાપકોને પગાર ચૂકવણી માટે પૈસાની જરૂર પડે છે તો જે વાલીઓ ફી ભરી શકે તે તો ફી ભરી જ દે. પરંતુ જે પરિવાર આર્થિક રીતે સદ્ધર નથી અને હાલની પરિસ્થિતિ મુજબ ફી ભરી શકે તેમ નથી તેઓને આગામી છ માસ માટે રાહત આપવામાં આવશે પરંતુ આવા વાલીઓ પોતાની આવકને સ્કૂલ ઓર્થોરીટીને બતાવ્યા બાદ જ રાહત આપવામાં આવશે અને જે નિર્ણય આગામી દિવસોમાં લેવાશે.
આર્થિક રીતે નબળા પરિવારોને ફીમાં રાહત આપવાની બાબતની એનએસયુઆઈની રજૂઆત આજે સફળ થઈ હતી. એનએસયુઆઈ દ્વારા આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં એનએસયુઆઈની ઉપપ્રમુખ સુરજ ડેર, પૂર્વ પ્રમુખ મયુર વાંક, રાજકોટ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિ તલાટીયા, મીત પટેલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.