રાજયભરની ૬૪થી વધારે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ૫૦ ટકાથી વધુ સીટો ખાલી રહે તેવી શક્યતા…
એન્જીનીયરીંગના વળતા દિવસો હોય તેમ સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ૪૦ ટકા બેઠકો હજુ ખાલી છે. કોમ્પ્યુટર સાયન્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી કોર્ષોમાં ઈચ્છુક વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવતા રાજયભરની સેલ્ફ ફાયનાન્સ એન્જીનીયરીંગ કોલેજોમાં લગભગ ૪૦ ટકા સીટો ખાલી પડેલી છે. જેનું કારણ જાણવા ઉંડાણપૂર્વક નજર કરીએ તો, ઘણા તથ્યો સામે આવે છે. જેમાં એમસીએ, બીસીએ કર્યા બાદ વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે ભરોસો ઉઠી ગયો છે અથવા તો પ્લેસમેન્ટ જેવા પ્રશ્ર્નો મુળભુત ગણાવી શકાય.
ધી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્ષીસએ (એસીપીસી) બેચલર ઓફ એન્જીનિયરીંગ કોર્સીસ માટે સીટ અલોટમેન્ટના પ્રથમ રાઉન્ડની બુધવારે જાહેરાત કરી હતી. જેમાં ૫૯,૩૯૬ બેઠકોમાંથી માત્ર ૩૫,૯૫૬ બેઠકો જ ભરાઈ છે. બાકીની ૨૩,૪૧૬ બેઠકો ખાલી છે. જેમાંથી મોટાભાગની ખાલી બેઠકો ગ્રામ્ય વિસ્તારની છે.
તાજેતરમાં શહેરના બાહરી વિસ્તારોમાં કેટલીક સંસ્થાઓ દ્વારા મિકેનીકલ અને ઈલેકટ્રીકલ એન્જીનિયરીંગ કોર્ષોની જાહેરાત કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થઈ હતી. તેમ છતાં પણ આ સંસ્થાઓમાં કમ્પ્યુટર સાયન્સ કોર્ષમાં સૌથી વધુ માંગ બની રહી હતી.
પ્રોફેશનલ કોર્ષો માટેની પ્રવેશ સમિતિના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે ૪૨,૩૯૪ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ૪૧,૮૭૭ વિદ્યાર્થીઓ પ્રવેશ લાયક હતા. એસીપીસીના અધિકારીઓએ વધુમાં જણાવતા કહ્યું કે, ૩૧૫૩ વિદ્યાર્થીઓએ તેમના માર્કસ અનુસાર કોર્ષની પસંદગી કરી ન હતી. આથી તેઓ આ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ લાયક ન ગણાતા તેઓ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકશે.
આ ઉપરાંત રસપ્રદ એ છે કે, રાજયની સરકારી કોલેજો અને ૩ ગ્રાન્ટ-ઈન-એડ કોલેજોમાં એક પણ બેઠક ખાલી નથી. મુખ્યત્વે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ૨૩,૦૦૦ ઓડ બેઠકો ખાલી છે. તો બીજી તરફ ૧૯ સેલ્ફ ફાયનાન્સ કોલેજો એવી છે કે જયાં બેઠકો પુરી થઈ ચુકી છે. આ ઉપરાંત, અન્ય ૧૮ કોલેજોમા સરેરાશ ૭૫ થી ૯૯ ટકા બેઠકો ભરાઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ૬૪થી વધુ કોલેજોમાં ૫૦થી વધુ સીટો ખાલી છે. જેમાંથી ૩૯ કોલેજો તેમની ક્ષમતાના ૨૫ ટકાથી ઓછા પ્રવેશ સ્વીકારવા જ સક્ષમ છે.
એસીપીસીના અધિકારીઓનું કહેવું છે કે, રાજયની ૨૩ કોલેજો એવી છે કે જેમાં ઈનટેક કેપેસીટી ૧૦ ટકા કરતા પણ ઓછી છે. ઉદાહરણ તરીકે સુરેન્દ્રનગર જીલ્લાના વાધવાનમાં આવેલી પંડિત નથુલાલ કોલેજમાં માત્ર બે જ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જો કે, પંડિત નથુલાલ કોલેજમાં ૪૮૦ વિદ્યાર્થીઓની ક્ષમતા છે. આ અંતરના કારણો જાણીએ તો, કોલેજોમાં સુવિધા, શિક્ષણ સવલતો તેમજ સ્ટાફનો અભાવ છે. વડાસમામાં આવેલી શ્રી સત્સંગી સકેથધામ કોલેજમાં પણ માત્ર બે વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે. જેમાં ક્ષમતા ૩૬૦ વિદ્યાર્થીઓની છે.
કમ્પ્યુટર સાયન્સે ૧,૯૩,૧૪૯ વિકલ્પોને આકર્ષિત કર્યા છે. એક વિદ્યાર્થી પચાર વિકલ્પો પસંદ કરી શકે છે. જયારે મીકેનીકલ એન્જીનીયરીંગમાં ૧.૬૦ લાખ પસંદગી વિકલ્પો, સિવિલ એન્જીનીયરીંગમાં ૧.૩૫ લાખ તો ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં ૧.૧૭ લાખ, ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશનમાં ૪૪,૪૪૪ તેમજ ઈલેકટ્રીકલ ૧૯,૭૨૯ વિકલ્પો રહેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે, મેરિટ લીસ્ટના પહેલા વિદ્યાર્થીએ ધી‚ભાઈ અંબાણી ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં પ્રવેશ માટે વિકલ્પ પસંદ કર્યો છે.