અબતક, રાજકોટ
દેશની સૌથી મોટી બે રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસમાં હાલ સૌથી મોટો અને પાયાનો તફાવત હોય તો તે છે કાર્યકરો અને નેતાઓમાં સ્વયં શિસ્ત, વફાદાર. શિસ્તબધ્ધ કાર્યકરો ભાજપનું ભાથુ છે જ્યારે કોંગ્રેસની સૌથી મોટી કમજોરી છે. પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી ઉમેદવારી બદલવા કે નેતૃત્વ પરિવર્તન થતા કોંગ્રેસમાં શિસ્તના છોતરા નીકળી જાય છે જ્યારે ભાજપમાં બધુ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ જાય છે. છેલ્લા છ માસથી પણ ઓછા સમયગાળામાં ભાજપે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં મુખ્યમંત્રી બદલાવ્યા તમામે હાઇકમાન્ડનો આભાર માની બીજાને તક આપવાના નિર્ણયને આવકારી હસતા મોઢે ખુરશીનો ત્યાગ કરી દીધો બીજી તરફ કોંગ્રેસ પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહની હકાલ પટી કરતા ફરી પંજો પીંખાવા લાગ્યો.
સ્થાપના કાળથી જ ભાજપને શિસ્તબધ્ધ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે. પક્ષમાં તમામ નિર્ણયો લોકશાહી ઢબે લેવામાં આવે છે. પંચાયતની ચુંટણી હોય કે લોકસભાની ચુંટણી ઉમેદવારીની પસંદગી કરવા માટે નિરીક્ષકોને મોકલી સેન્સ લેવામાં આવે છે અને ચુંટણી લડવા ઇચ્છુકોને સાંભળવામાં આવે છે ત્યારબાદ જાતી શકે તેવા ઉમેદવારોના નામોની પેનલ બનાવવામાં આવે છે અને તેમાંથી પસંદગી કરવામાં આવે છે. કોંગ્રેસમાં આવુ નથી પ્રદેશ કક્ષા એ થી આવેલા નામે સ્થાનિક કક્ષાએ ફરી જાય છે. ફોર્મ કોઇને ભરાવામાં આવે છે અને મેન્ડેટ કોઇ બીજાના નામનું આવે છે.
ભાજપે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં મુખ્યમંત્રી બદલાવ્યા છતા ક્યાંય બળવો કે અશિસ્ત ન દેખાય: કોંગ્રેસે પંજાબમાં નેતૃત્વ પરિવર્તન કરતા શિસ્તના છોતરા નીકળી ગયા: બીજી કેડર તૈયાર કરવાનો પાયો નાખવામાં જ કોંગ્રેસ ગોથે ચડે છે
ગુજરાત ઉત્તરાખંડ, આસામ અને કર્ણાટકમાં ભાજપે એક ઝાટકે નેતૃત્વ પરિવર્તનનો લીધો તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પક્ષના નિર્ણયને શિરોમાન્ય ગણી હસતા મોઢે ખુરશી છોડી દીધો. પક્ષ માટે રાજકીય પ્રયોગશાળા મનાતા ગુજરાતમાં તો ભાજપે મુખ્યમંત્રી ઉપરાંત મંત્રી મંડળના તમામ સભ્યોને ઘર બેસાડી દીધા અને નવા ચહેરાઓને શાસનઘુરા સોંપી છતા તમામે હસતા મોઢે ખુરશી છોડી દીધી. નવા ચહેરાને તક આપવાની પક્ષના નિર્ણયને સહર્ષ આવકાર્યો અને ખુરશીનો ત્યાગ કરી ફરી પક્ષને મજબૂત કરવાના કામે લાગી ગયા. કોંગ્રેસમાં સ્થાપના કાળથી ક્યારેય આવુ બન્યુ નથી. કોંગ્રેસમાં જ્યારે નેતાઓ કદ મુખ વેંતરાય છે ત્યારે અન્ય પક્ષનો હાથ પકડી લે છે અથવા પોતાની નવી રાજકીય પાર્ટી બનાવે છે અને કોંગ્રેસની ઘોર ખોદવા ઉભા થઇ જાય છે. શરદ પવાર તેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે.
નવજોતસિંહ સિધ્ધુ સાથે સતત અણબનાવના કારણે પંજાબમાં મુખ્યમંત્રી અરમિંદર સિંહ અને હાઇકમાન્ડ વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડરાએ સિધ્ધુનો પક્ષ લઇ તેને પક્ષનું નેતૃત્વ સોંપતા આ વિવાદ વધુ વકર્યો હતો. અંતે અમરિંદરસિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવુ પડ્યું રાજીનામુ આયા બાદ તેઓએ એવી પ્રતિક્રિયા આપી હતી કે, પક્ષને ગમે તે ચહેરાને હવે બેસાડી શકે છે. સિધ્ધુને વધુ વર્ચસ્વ આપવાથી પંજાબને નુકશાન થશે મારી પાસે અનેક વિકલ્પો ખૂલ્લા છે. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનાર વિજયભાઇ રૂપાણીએ ખૂબ જ સહજતાથી ખુરશીનો ત્યાગ કર્યો. પાર્ટીના નિર્ણયને શીરોમાન્ય ગણ્યો અને મંત્રી મંડળમાંથી પડતા મૂકાયેલા તેમના જૂના સાથીદારોને પણ મનાવી લીધા અને શિસ્ત સાથે ફરી પક્ષને મજબૂત કરાવવા કામે લાગી જવા જણાવ્યું. આખુ મંત્રી મંડળને બેસાડી દેવામાં આવ્યુ હોવા છતા દૂર-દૂર સુધી ક્યાંય બળવાના એંધાણ પણ ન દેખાયા તમામે પક્ષના પાયાના સિધ્ધાંત શિસ્તને સ્વીકારી અને એક મીનીટમાં સત્તાનો ત્યાગ કરી સેવામાં લાગી ગયા.
માત્ર ગુજરાત નહીં ઉત્તરાખંડ, કર્ણાટક અને આસામના મુખ્યમંત્રીઓને છેલ્લા છ માસમાં બદલી નાખવામાં આવ્યા છે. ત્રિવેન્દ્રસિંહ રાવત, સર્બાનંદ સોનવાલ અને બીએસ યેદિયુરપ્પાએ હસતા મોઢે ખુરશી છોડી દીધી છે. જો ભાજપ જાતિ-જ્ઞાતિના રાજકારણને મહત્વ આપતુ હોત તો યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદેથી ક્યારેય તગડ્યા ન હોત અને 2016માં જ્યારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચરમસીમા પર હતું ત્યારે પાટીદાર મુખ્યમંત્રીના બદલે વણીક સમાજના હાથમાં ગુજરાતનું નેતૃત્વ સોંપ્યુ ન હોત. ભાજપ-2024 લોકસભાની નહીં પરંતુ 2029ની તૈયારી કરી નવી કેડર ઉભી કરી રહ્યું છે.
કોંગ્રેસે ભૂતકાળમાં ક્યારેય ભવિષ્ય વિશેની વિચારણા કરી નથી જેના કારણે તે પરિવર્તન સ્વીકારી શકતું નથી. એક જ ચહેરાને સતત આગળ કરવાની પરંપરાના કારણે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ જઝૂમી રહ્યું છે. મધ્યપ્રદેશમાં કમલનાથને સીએમ બનાવી તેઓએ જ્યોતિદારિત્યસિંઘ જેવા કાબેલ નેતાને સાઇડ લાઇન કરી દેતા એમપી જેવું રાજ્ય ગુમાવવાનો વારો આવ્યો. રાજસ્થાનમાં પણ કંઇક આવું જ રંધાઈ રહ્યું છે.
કોંગ્રેસથી નારાજ થયેલા નેતાઓ અન્ય પક્ષની વાટ પકડે છે. અથવા પોતાની પાર્ટી બનાવે છે. આવુ ભાજપમાં ખૂબ જ ઓછુ થાય છે. મંડળથી લઇ રાષ્ટ્રીય પ્રમુખની વરણી માટે સંપૂર્ણ લોકશાહી ઢબે નિર્ણય લેવામાં આવે છે અને હાઇકમાન્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેને કાર્યકરો શિરોમાન્ય ગણે છે. કોંગ્રેસ રાજ્યાભિષેક ચોક્કસ કરે છે પરંતુ સત્તા ટકાવી રાખવામાં નિષ્ફળ જાય છે. શિસ્ત કોઇપણ વ્યક્તિ, સંસ્થા, પાર્ટી, કંપની કે દેશ માટે સૌથી મોટી મુડી માનવામાં આવે છે. સ્વયં શિસ્ત ભાજપનું સૌથી મોટું જમા પાસુ છે જ્યારે કોંગ્રેસની સૌથી મોટી કમજોરી છે.