જેતપુર જેસીઝ (જે.સી.આઈ.) દ્વારા સ્વ. સવજીભાઈ કોરાટના સ્મરણાર્થે સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ માર્ગ પરિવહન અને શિપીંગ વિભાગના કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા, પૂર્વ મંત્રીશ્રી જશુબેન કોરાટની ઉપસ્થિતિમાં જેતપુર ખાતે યોજાયો હતો. આ લગ્નોત્સવમાં ૨૫ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતાં.
આ પ્રસંગે આયોજિત આશીર્વચન સમારોહમાં કેન્દ્રીયમંત્રીશ્રી માંડવિયાએ નવદપંતીઓને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સમાજો દ્વારા યોજાતા ‘સમુહલગ્નોત્સવ’ દ્વારા સામજિક સમરસતા પ્રસ્થાપિત થઈ છે, સાથોસાથ લોકોએ સામાજિક એક્યનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું છે. વિશેષમાં મંત્રીશ્રી માંડવિયાએ નવદંપતીઓને ઉલ્લેખીને જણાવાયું હતું કે, તમો તમારા સામાજિક જીવન સંસારનો પ્રારંભ કરી રહ્યા છો ત્યારે તમારું જીવન સમાજ અને દેશ માટે પ્રેરણારૂપ બને તેવું ઘડવું જોઈએ.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, તમામ સમાજમાં નાનામોટાનો ભેદભાવ મીટાવતા આ સમુહલગ્નોત્સવ દરેક સમાજ માટે આશીર્વાદ રૂપ છે અને સામાજીક ક્રાંતિમાં પ્રેરણા સમાન સાબિત થયા છે. સર્વજ્ઞાતિય સમુહલગ્નોત્સવમાં તમામ વર્ગના લોકો જોડાઈ રહ્યાં છે તે આપણી એકતા અને રાષ્ટ્ર ભાવના ચરિતાર્થ કરે છે.
આ પ્રસંગે સ્વ. સવજીભાઈ કોરાટના ધર્મપત્ની અને ભૂતપૂર્વ મંત્રીશ્રી જશુબેન કોરાટે જણાવેલ કે, મારા પતિદેવના સ્મરણાર્થે સામાજિક કાર્ય કરી અમોને દરેક સમાજે હૂંફ અને પોતીકાપણું આપ્યું છે. જે અમારે માટે ગૌરવની વાત છે. હું તેમજ અમારો સમગ્ર પરિવાર દરેક સમાજના સુખ-દુ:ખમાં સહભાગી બનવા પ્રયત્નશીલ રહેશુ તેમ વિશેષમાં જણાવ્યું હતું.
ડો. ઋત્વિજભાઈ પટેલ,તેમજ શ્રી ડી,કે,સખીયાએ સમુહલગ્નોત્સવને બીરદાવ્યો હતો. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાની હાજરીમાં નવદંપતીઓને ભુ્ણહત્યાથી દુર રહેવા તેમજ દીકરી-દીકરો સમાન ગણવા શપથ ગ્રહણ કરાવવામાં આવેલ,જીથુડી હનુમાનજી મંદિરના પૂજ્ય રામરુપદાસજી બાપુએ સમુહલગ્નોત્સવમાં ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યાં હતાં.
સમુહલગ્નોત્સવ પ્રસંગે ધારાસભ્યસર્વેશ્રી દેવાભાઈ માલમ,નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કુસુમબેન સખરેલીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન સોલંકી, ,પ્રશાંતભાઈ કોરાટ,દિનેશ ભુવા,સુરેશ સખરેલીયા,કીશોરભાઈ શાહ, સહીત અગ્રણીઓ તેમજ દાતાઓના હસ્તે કરિયાવર પેટે દાતાઓ દ્વારા પ્રાપ્ત થયેલ ૫૫ થી વધુ ઘરવખરીનો સામાન દરેક દંપતીઓને અપર્ણ કરાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે જેતપુર જેસીઝના પ્રમુખશ્રી અલ્પેશભાઈ ભુવાએ સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું. તેમજ સમુહલગ્નોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવનાર પ્રો. ચેરેમેન કલ્પેશ સખરેલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ દ્વિજેશભાઈ ધડુકે તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નીતેશભાઈ ઠુંમર અને નરેન્દ્રભાઈ કોટડીયાએ કર્યુ હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com