ભારતીય સંસ્કૃતિ અને તેની આગવી ઓળખ પર બનાવ્યું ચિત્ર
શિક્ષણની સાથોસાથ ચિત્ર પ્રવૃત્તિમાં રસ ધરાવતી નવયુગ સ્કૂલની ધોરણ 10ની વિદ્યાર્થીનીના ચિત્રની ભારતીય ડાક વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત સ્ટેમ્પ ડિઝાઇનિંગ કોમ્પિટિશનમાં રાજ્ય કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીને પુરસ્કાર સ્વરૂપે રૂપિયા 2000 રોકડા તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
નવયુગ સ્કૂલની ધોરણ 10ની વિદ્યાર્થીની વૈશાલી પાલાભાઈ સરવૈયા નાનપણથીજ શિક્ષણની સાથો સાથ ચિત્રની પ્રવૃત્તિમાં રસ ધરાવે છે,ભારતીય ડાક વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્ટેમ્પ ડિઝાઇનિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં છાત્રા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તેની આગવી ઓળખ પર ચિત્ર બનાવવામાં આવ્યું હતું.આ ચિત્રને રાજ્ય ક્ષેત્રે પસંદગી કરવામાં આવ્યું હતું,હાલ પસંદગી થયેલ ચિત્રને અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે તથા દેશ લેવલે યોજાયેલ સ્પર્ધામાં જો ચિત્ર ની પસંદગી કરવામાં આવશે તો તેનો સ્ટેમ્પ બને એવી પૂરતી શક્યતા સેવાઈ રહી છે. ડાક વિભાગ દ્વારા પુરસ્કાર સ્વરૂપે નકદ રૂપિયા 2000 તથા એક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું તથા સ્કૂલ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું.
દરેક વિદ્યાર્થીએ આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ: સુનિલ લોલાડીયા
ભારતીય ડાક વિભાગના અધિકારી સુનિલ લોલાડીયા અબતકને જણાવે છે કે,ભારતીય ડાક વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટની વિવિધ સ્કુલોમાં સ્ટેમ્પ ડિઝાઇનિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજકોટની ઘણી સ્કૂલો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો,જેમાં નવયુગ સ્કૂલની ધોરણ 10ની છાત્રા વૈશાલી સરવૈયાના ચિત્રને રાજ્યકક્ષાની પસંદગી મળી છે, જે બદલ ભારતીય ડાક વિભાગ દ્વારા તેમને અભિનંદન આપીએ છીએ તથા ભવિષ્યમાં દરેક સ્કૂલના બાળકો આવી વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લઈ અને પોતાની જે કલ્પના શક્તિનો વિકાસ કરે અને રાષ્ટ્રના ઘડતરમાં ઉપયોગી થાય તેવી શુભકામનાઓ.આ પસંદગી પામેલ ચિત્રને નેશનલ લેવલે લઈ જવામાં આવશે અને જો ત્યાં આ ચિત્રની પસંદગી થાય તો તેના સ્ટેમ્પ બને તેવી શક્યતા છે.
બાળકોના સર્વાંગી વિકાસ માટે આવી ઇત્તર પ્રવૃત્તિઓ જરૂરી : સોનલબેન જલુ
નવયુગ સ્કૂલના પ્રિન્સિપાલ સોનલબેન જલુ અબતક ને જણાવે છે કે,ભારતીય ડાક વિભાગ દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સ્ટેમ્પ ડિઝાઇન પ્રતિયોગિતામાં નવયુગ સ્કૂલમાં આશરે 30 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો,જેમાં વૈશાલી સરવૈયાના ચિત્રની રાજ્યકક્ષાએ પસંદગી થઈ હતી,જે બદલ નવયુગ ટીમનો ખુબ ખુબ આભાર કે જેમણે આ સ્પર્ધા માર્ગદર્શન વિદ્યાર્થીનીઓને પૂરું પાડ્યું છે.સ્કૂલમાં અવારનવાર આવી ઈતર પ્રવૃત્તિઓ થાય છે જે જરૂરી છે જેથી દરેક વિદ્યાર્થીઓની પોતાની ક્રિએટિવિટી નું ડેવલોપમેન્ટ થાય એ નવયુગ સ્કૂલ નું લક્ષ્ય છે.આ તકે ભારતીય ડાક વિભાગના અધિકારીઓ અને સમગ્ર ટીમને આભાર વ્યક્ત કરું છું.
નાનપણથી જ મને ચિત્ર પ્રત્યે રસ છે : વૈશાલી સરવૈયા
વૈશાલી સરવૈયા અબતકને જણાવે છે કે,ભારતીય ડાક વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,તેમાં મારા ચિત્રની રાજ્ય કક્ષાએ પસંદગી થઈ હતી.મેં મારી કલ્પના મુજબ એક ચિત્ર તૈયાર કર્યું હતું,જેમાં મેં ભારતની તમામ સંસ્કૃતિ અને આવરીને ચિત્ર તૈયાર કર્યું હતું. નાનપણથી જ મારો રસ ચિત્ર અને કલા પ્રત્યે વધારે હતો,અભ્યાસની સાથે સાથ હું ચિત્ર દોરવાની પ્રવૃત્તિ કરતી હતી તથા ભવિષ્યમાં પણ હું આ ક્ષેત્રે આગળ વધવા માંગુ છું.