જામનગરનું ગૌરવ તામિલનાડુ ખાતે આયોજીત રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં જામનગરના દિવ્યાંગ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે.
પેરાલિમ્પિક વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી તા.2 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી પેરિયાર માનામઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ટેક્નોલોજી ગ્રાઉન્ડ, તંજાવુર, તામિલનાડુ ખાતે રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા જામનગરના દિવ્યાંગ ખેલાડીની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતની ટીમમાં પસંદગી તામિલનાડુ ખાતે આગામી ફેબ્રુઆરી મહિનામાં પેરા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગિતામાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના 90 ટકા અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડી શિવદાસભાઈ આલસુર ગુજરીયાની ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. તેમના અથાક પ્રયત્નો અને મહેનતના પગલે ગુજરાત રાજ્યમાંથી તેમની પસંદગી થવા પર જામનગરનું ગૌરવ વધાર્યું છે.
ખેલાડીને અભિનંદન પાઠવવામાં આવ્યાં
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, જિલ્લા રમત ગમત અધિકારી, દિવ્યાંગ મહિલા અધિકારી સમિતિના પ્રમુખ પ્રફુલાબેન મંગી તેમજ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના સમગ્ર સ્ટાફ વતી ખેલાડી શિવદાસભાઈને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.