- શોભાયાત્રાને લઈને કાર્યકરોમાં થનગનાટ: તૈયારીઓનો ધમધમાટ
વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ 2024 નો તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે. દર વર્ષે મોટી સંખ્યામાં રાજકોટના અનેક ગ્રુપ, મંડળ, સંસ્થા દ્વારા તેમના અવનવા શણગાર સાથેના ફલોટ લઈને જન્માષ્ટમીની શોભાયાત્રામાં જોડાતા હોય છે ઉપરાંત લત્તે – લત્તે જન્માષ્ટમી નિમિતે કાનાને વધાવવા અનેરા ઉત્સાહ સાથે લત્તા સુશોભન કરવામાં આવે છે. જે માટે જરૂરી તમામ ડેકોરેશન અને સાજ શણગારનું મટીરીયલ ઉપલબ્ધ કરાવવા તથા જન્માષ્ટમી નિમિતે સમગ્ર રાજકોટને કાનુડાના રંગે રંગી દેવા રાજમાર્ગો પર ઝંડી, ધ્વજા, બેનરો લગાવવાનું ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત દર જન્માષ્ટમીએ અવનવી થીમ અને સુત્ર સાથે પ્રિન્ટ થયેલ કેરી બેગ, કિચન, ડોક્યુમેન્ટ, વોલેટ, સ્ટીકરો વિગેરે પણ રાજકોટની જનતાને ખૂબ પસંદ પડે છે. તેની વિતરણ વ્યવસ્થા પણ કરવામાં આવશે. હાલમાં આગોત્રી તૈયારીના ભાગ રૂપે પુછપરછ અને જાણકારી મેળવવા માટે દરરોજ સાંજથી લઈને મોડી સાંજ સુધી વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના નાગર બોર્ડીંગ ખાતે આવેલ મધ્યસ્થ કાર્યાલય ખાતે ગ્રુપ, સંસ્થા મંડળના આગેવાનો, કાર્યકરો, વિ.હિ.પ., બજરંગદળના અગ્રણીઓ તથા કાર્યકરોની ખૂબ બહોળી સંખ્યામાં હાજરી વચ્ચે જન્માષ્ટમીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અનેકવિધ કામગીરીઓનો ધમધમાટ કાર્યાલય ખાતે નજરે ચડે છે. દર વર્ષે સમિતિ જન્માષ્ટમી પૂર્વે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે માટે મીટીંગો, સંપર્ક, કાર્યર્ક્તાઓની બેઠક, ટ્રાન્સ્પોર્ટરો સાથે મીટીંગ, ગ્રુપ, સંસ્થા મંડળના સંપર્ક, કામગીરી અંગે વિતરણ વ્યવસ્થા, શણગાર માટેના મટીરીયલ, પ્રચાર સાહિત્ય વિગેરે માટે કાર્યાલય એ ખૂબ મહત્વનું સ્થાન છે. રાજકોટના નાગર બોર્ડીંગ ખાતે આવેલ સમિતિના મધ્યસ્થ કાર્યાલયનું સંચાલન સુપેરે થાય તે માટે વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના નાગર બોર્ડીંગ ખાતે મધ્યસ્થ કાર્યાલયના કાર્યાલય મંત્રી તરીકે દિલીપભાઈ દવે તથા સહકાર્યાલય મંત્રીઓ તરીકે રાજુભાઈ ઉમરાણીયા અને પંકજભાઈ તાવીયાની નિમણુંક કરવામાં આવી છે. આ નવ નિયુક્ત હોદેદારોની કામગીરી દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ખૂબ સારી રીતે ઉજવવામાં આવશે.