સરકારી યોજનાનો મહત્તમ ઉપયોગ વેરા વસુલાત, સ્વચ્છતા, ડીઝીટલાઇઝેશનમાં ગામ નંબર વન
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા રુર્બન કોન્સેપ્ટ, આત્મા ગામડાનો સુવિધા શહેરોની એ વિચારધારાને સાકાર કરતી સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના 16 જિલ્લાની 3પ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના દિશાદર્શનમાં તૈયાર થયેલી સ્માર્ટ વિલેજ યોજનામાં અમરેલી જિલ્લાના બાબરાના ઉંટવડ અને કુંકાવાવ વડીયા તાલુકાના મોટા ઉજળા સહિત બે ગામ પસંદગી પામ્યા છે. સ્માર્ટ વિલેજ યોજના હેઠળ કુંકાવાવ તાલુકાનું મોટા ઉજળા ગામ ઘણી રીતે અનોખું છે અને એટલે જ તે આ યાદીમાં પસંદ થયું છે. સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા સ્માર્ટ વિલેજ યોજના હેઠળના નિયત 11 માપદંડોમાં 95 ટકા ગુણ મેળવ્યા છે તેવા મોટા ઉજળા પંચાયતની પસંદગી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
મોટા ઉજળા ગામની સુવિધાઓ વિશે માહિતી આપતા ગામના સરપંચશ્રી વિપૂલભાઈ ખીમાણીએ જણાવ્યુ કે, ’અમારા ગામની વસતિ 2,020 છે. આ વસતિ મુજબ વેરા વસૂલાતમાં 80 ટકા સુધી ગ્રામ પંચાયતને સફળતા મળી છે. ગામમાં શહેરી વિસ્તારમાં હોય તેવી ભૂગર્ભ ગટર, પીવાના પાણીના બે જાહેર આર.ઓ પ્લાન્ટ, અઠવાડિયામાં બે દિવસ ડોર-ટુ-ડોર કચરાના કલેક્શનની સુવિધા, નલ સે જલ અંતર્ગત ઘરે-ઘરે પીવાના પાણીની લાઈન, સોલાર ઉર્જા સંચાલિત ગ્રામ પંચાયત કચેરી, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ વગેરે જેવી સુવિધાઓ વિવિધ સરકારી અનુદાનથી વિકસાવવામાં ધારી સફળતા મળી છે.
આ ઉપરાંત તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથીગામની શાળામાં સ્માર્ટ બોર્ડ પણ આપવામાં આવ્યા છે. સ્માર્ટ બોર્ડ દ્વારા બાળકોને અદ્યતન શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે. મોટા ઉજળા ગામમાં નિર્માણાધીન કાર્યો વિશે વાત કરતા સરપંચ શ્રી ખીમાણીએ કહ્યુ કે, ગામમાં સી.સી.ટી.વી કેમેરા, નવું આરોગ્ય કેન્દ્ર, જાહેર બગીચા સહિતની સુવિધાઓનો સમાવેશ આગામી સમયમાં થશે. આ મંજૂર થયેલી ગ્રામ સુવિધાઓ આગામી દિવસોમાં નિર્માણ પામશે અને તે ગામના લોકોની સુવિધામાં ઉમેરો કરશે.સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દીઠ રુ.પાંચ લાખની રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવશે. આ ગ્રાન્ટના આયોજન અંગે માહિતી આપતા ગામના તલાટી કમ મંત્રી જે.સી. પટોળીયા જણાવે છે કે, હું છેલ્લા દોઢેક વર્ષથી અહીં ફરજ બજાવું છું.
મોટા ઉજળાની સ્માર્ટ વિલેજ યોજનામાં પસંદગી થતાં જે ગ્રાન્ટ મળશે તે પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે ઉપયોગમાં લેવાનું આયોજન છે. મોટા ઉજળા ગામને વધુ સારી સુવિધાયુક્ત બનાવવા બાબતે ગ્રામજનોનો સકારાત્મક અભિગમ અને સતત પ્રયાસ રહે છે. આ યોજનામાં મોટા ઉજળાની પસંદગી થવા બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર. આમ, ગ્રામ્ય સ્તરે સરકારી યોજનાઓ અને સરકારના અનુદાનની રકમનો મહત્તમ અને ઉત્તમ ઉપયોગ કરી મોટા ઉજળા સ્માર્ટ વિલેજ બન્યું છે. આગામી દિવસોમાં ગ્રામજનોની સુવિધા અને સુખાકારીમાં ઉત્તરોતર વધારો થાય તે માટે પંચાયતની ચૂંટાયેલી પાંખ સક્રિય છે. કુંકાવાત તાલુકાનું ’સ્માર્ટ વિલેજ’ મોટા ઉજળા એક પ્રેરક ઉદાહરણ છે.