પસંદગી પામેલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રૂ. બે લાખ સુધીનું અનુદાન પ્રાપ્ત થશે
દેશના 27 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ અન્ડરગ્રેજ્યુએટ કોર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 5000 વિદ્યાર્થીઓ 2022-23 માટે રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ આપવામાં આવશે. પસંદ કરાયેલા મેધાવીઓને રૂ. બે લાખ સુધીનું અનુદાન પ્રાપ્ત થશે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સક્ષમ નેટવર્કનો હિસ્સો બનવાની પણ તક સાંપડશે.
રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ અભ્યાસના કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓને મેરિટ-કમ-મીન્સના આધારે આપવામાં આવે છે. આ વર્ષ માટે પસંદ કરવામાં આવેલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ/ટેક્નોલોજી, સાયન્સ, મેડિસિન, કોમર્સ, આર્ટસ, બિઝનેસ/મેનેજમેન્ટ, કમ્પ્યૂટર એપ્લિકેશન્સ, કાયદો, શિક્ષણ, હોસ્પિટાલિટી, આર્કિટેક્ચર અને અન્ય વ્યાવસાયિક ડિગ્રીઓ સહિતની સ્ટ્રીમમાંથી આવે છે. દેશની 4,984થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા લગભગ 40,000 અરજદારોમાંથી 2022-23 વર્ષ માટેના 5,000 મેધાવી વિદ્યાર્થીઓની એપ્ટિટ્યુડ ટેસ્ટ, ધોરણ 12ના ગુણ અને પાત્રતાના અન્ય માપદંડો સહિતની સઘન પસંદગી પ્રક્રિયા બાદ પસંદગી કરવામાં આવી હતી, જેમાં 51% યુવતીઓ છે.
પ્રોગ્રામમાં રહેલી વિવિધતાને વધુ પ્રતિબિંબિત કરતા આ રાઉન્ડમાં 99 દિવ્યાંગ વિદ્યાર્થીઓની પણ સ્કોલરશિપ માટે પસંદગી કરવામાં આવી હતી. ગત ડિસેમ્બરમાં પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા રિલાયન્સ ફાઉન્ડેશને જાહેરાત કરી હતી કે તે આગામી 10 વર્ષમાં 50,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે. શિષ્યવૃત્તિના આ રાઉન્ડનો પુરસ્કારની નેમ ભારતના ભવિષ્યના નિર્માણ તરફ તમામ માટે શિક્ષણની સુવિધા લઈ જવા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તૈયાર કરવાના રિલાયન્સના વારસાને આગળ વધારનારી છે. વર્ષ 1996થી લગભગ 13,000 અંડરગ્રેજ્યુએટ વિદ્વાનોને મેરિટ-કમ-મીન્સ આધારે ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ આપવામાં આવી છે, જેમાંથી 2,720 દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.