ગીર સોમનાથ જિલ્લાના સીનીયર કોચ શ્રી કાનજી ભાલીયા સહિતના કોચ-ટ્રેનર પ્રતિભા શોધવા તાલાલાના જાંબુર, સીરવાણ સહિતના
20 ગામો ખૂંદી વળ્યાં: સીદી સમાજના યુવક-યુવતીઓના હુનરને પારખી એથ્લેટિક્સમાં આગળ વધારવા વૈજ્ઞાનિક ઢબે તાલીમ અપાશે
અબતક અતુલ કોટેચા, વેરાવળ
રમતના મેદાનમાં ભલભલાને પાછળ છોડી દે તેવુ હીર સીદી સમાજના યુવક-યુવતીઓમાં પડેલું છે. તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ખાસ કરીને સીદી સમાજના યુવક-યુવતીઓ રમત-ગમતમાં કાઠું કાઢે અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનો પરચમ લહેરાવે તે માટે વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે.
આ સીદી સમાજના પ્રતિભાશાળી યુવક-યુવાતીઓની શોધ માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ચીફ કોચ એલ.પી. બારીયા, ગીર સોમનાથ જિલ્લાના સિનિયર કોચ કાનજી ભાલીયા, પોરબંદર જિલ્લાના સિનિયર કોચ મનીષ જીલડીયા સહિતના કોચ-ટ્રેનર સીદી લોકોના વસવાટ ધરાવતા તાલાલા તાલુકાના જાંબુર, સીરવાણ, રસુલપુરા, માધુપુર, ચિત્રાવડ, મોરૂકા, જશાપુર, જાવંત્રી સહિતના 20 ગામો ખૂંદી વળ્યા હતા. જેના પરિણામે 48 યુવાનો અને 38 યુવતીઓને ટ્રાયલ બાદ ભાવનગર સ્થિત એકેડમીમાં નિ:શુલ્ક તાલીમ આપવામાં માટે પસંદ કરવામાં આવ્યાં છે. સાથે જ આ યુવાનો રમતગમતની સાથે શિક્ષણમાં પણ પાછળ ન રહે તે માટે વિનામૂલ્યે શિક્ષણ પણ આપવામાં આવશે. સીદી સમાજના યુવાનોને રમત ગમત ક્ષેત્રે આગળ વધારવાના મૂળ વિચારની વાત કરતા ભાલીયા કહે છે કે, અમારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેકટર જનરલ સી.વી. સોમએ ઓલમ્પિક રમતો નિહાળતા દરમિયાન તેમના ધ્યાનમાં આવ્યું કે, નીગ્રો જાતિના લોકોમાં અપાર શક્તિઓ રહેલી છે. જેથી તેઓને વિચાર આવ્યો કે, ગુજરાતમાં પણ સીદી સમાજના લોકો વસવાટ કરે છે. આમ, તેમનામાં રહેલી શારીરિક શક્તિઓને રમતગમત ક્ષેત્રે વિકસાવી ખુબ જ સારા ખેલાડીઓ ગુજરાતને પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ બાબતને ધ્યાને લઇ તાત્કાલિક એક કમિટી બનાવી હતી.
સીદી લોકોમાં ગજબનુ શારીરિક કૌવત છે… ઓલમ્પિક-2024માં મેડલ મેળવવાનો લક્ષ્યાંક
સીદી લોકોમાં ગજબનુ શારીરિક કૌવત છે તેઓ એથ્લેટિક્સની જુદી-જુદી રમતોમાં એકદમ ફીટ બેસે તેવી તેમની શારીરિક ક્ષમતા છે. સાથે જ ગીરના જંગલ વિસ્તારમાં વસવાટ કરતાં હોવાથી પડકારજનક પરિસ્થિતમાં રહેવા કેળવાયેલા હોય છે. આમ, તેઓ મજબૂત શારીરિક સૌષ્ઠવ ધરાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે, એથ્લેટિક્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નીગ્રો લોકોનુ વર્ચસ્વ રહેલું છે. કેન્યા, યુ.એસ. એ. જમૈકા, ઈથોપીયા, સાઉથ આફ્રિકા વગેરે દેશો તેના ઉદાહરણો છે. ત્યારે તેમની આ ક્ષમતાને લક્ષ્યમાં રાખીને પરિણામ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા 2024માં ફ્રાંસના પેરિસમાં યોજાનાર ઓલમ્પિકમાં મેડલ લાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેના માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ પ્રકલ્પો માધ્યમથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમ સીનીયર કોચ ભાલીયાએ ઉમેર્યું હતું.