બટાલીયનના ડેપ્યુટી કમાન્ડરની ફરિયાદ પરથી હત્યાની કોશિશનો નોંધાતો ગુનો
ફાયરીંગ કરનાર શખ્સની માનસિક સ્થિતિ સ્વસ્થ ન હોવાનું, હત્યા અને હત્યાની કોશિષનો નોંધાતો ગુનો
વિધાનસભાની ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુ સાથે ચૂંટણી પંચની ગાઇડ લાઇન મુજબ કેન્દ્રીય પેરામીલીટરી ફોર્સની ટીમ બંદોબસ્ત માટે આવી છે ત્યારે પોરબંદરના ટુકડાગોસા ગામે સાયક્લોન સેન્ટર ખાતે આઇ.આર.બી. જવાનો વચ્ચે મજાક મસ્તીમાં રાયફલ આંચકી લેવા જેવી બાબતે એક જવાને અંધાધુધી ફાયરીંગ કરતા બે જવાનના મોત નિપજ્યા છે. જ્યારે બે જવાનો ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફાયરીંગ કરનાર શખ્સને પોલીસ તુરંત ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં માનસિક સ્થિતિ સ્વસ્થ ન હોવાનું મનાઇ રહ્યું છે અને તણાવને કારણે ઉશ્કેરાયને ફાયરીંગ કર્યાનું બહાર આવ્યું છે.વધુ વિગતો મુજબ મણીપુરના ચુરાચાંદ ખાતે રહેતા અને ઈન્ડીય રીઝર્વ બટાલીયનમાં ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા લોરેન્સ માયકલ મુન્લૌ (ઉ.વ.41)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેની બટાલીયન પૈકીના થર્ડ અને ફોર્થ કંપનીના 172 કર્મચારીઓની રહેવાની વ્યવસ્થા પોલીસ તરફ્થી ગોંસા ટુકડા ગામે આવેલ સાયકલોન સેન્ટર ખાતે રાખવામાં આવી હતી.
તેથી સવારે બંન્ને કંપનીને ત્યાં મોકલીને પોતે પોરબંદરની હોટલમાં રોકાયા હતા. એ દરમિયાન સાંજે સાતેક વાગ્યે કંપનીના સુબેદાર ચુસુફ અલીએ તેને મોબાઈલ કરી લોરેન્સને જણાવ્યું હતું કે કંપનીના રાયફ્ટમેને ફાયરીંગ કર્યું છે.અને ઘવાયેલા તથા મૃત્યુ પામેલાને પોરબંદર સીવીલ હોસ્પીટલે લવાયા છે.
આથી તુરંત તેઓ હોસ્પીટલે દોડી ગયા હતા જયાં યુસુફ અલીએ બનાવ અંગે એવું જણાવ્યું હતું કે, સાંજના સાત વાગ્યાના સમયે જમાદાર અરૂણકુમાર તથા રાયક્લમેન લોકેન્દ્ર તથા ખુમનથેમ જીતેનસિંગ તથા ઈનાઓચા વગેરે કેમ્પમાં બેઠા હતા. અને મજાક મસ્તી કરતા હતા. તે વખતે ઈનાઔચા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ઉભા થઇને પોતાની રાયફ્સ લઇને કોક કરતાં લોકેન્દ્ર અને અરૂણકુમારએ તેની પાસેથી રાયફ્સ લઇ લીધી હતી અને તે રાયફ્લ લઇને અરૂણકુમાર યુસુઅલી પાસે આવ્યો હતો તે દરમ્યાન એક બાદ એક ફાયરિંગનો અવાજ સંભળાતા તેઓએ બહાર આવી જોયું તો રોહીકાંતા તથા સુરાજીતસિંગ તથા થીંયામ થોઇ બાસીંગ લોહી લુહાણ હાલતમાં પડેલ હતા અને રૂમમાં ખુમનથમ જીતેનસિંગ પણ લોહી લુહાણ હાલતમાં પડેલ હતો અને ત્યાં ઈનાઓચાએ ને અન્ય જવાનોએ પકડી રાખ્યો હતો. આમ તેની બટાલીયનના કોઈ કર્મચારીઓ રાયફ્સમેન સિંગમ ઈનાઓચાસિંગની મજાક મસ્તી કરતા તેણે ઉશ્કેરાઈને આ હત્યાકાંડ સર્જયો હોવાનું જણાવતા પોલીસે હત્યા અને હત્યાની કોશીશનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.