રાજકોટમાં પાણીના પાઉચ પર પ્રતિબંધના પ્રથમ દિવસે ૬ ટીમો શહેરભરમાં ત્રાટકી: સેન્ટ્રલ ઝોનમાં ૧૧,૬૮૦, વેસ્ટ ઝોનમાં ૧૦,૭૦૫ અને ઈસ્ટ ઝોનમાં ૫,૫૦૦ પાઉચો પકડાયા
વિશ્વ પર્યાવરણ દિન એટલે કે આજથી રાજકોટ શહેરમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ લાદતા જાહેરનામું મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. આજે અમલવારીના પ્રથમ દિવસે જ કોર્પોરેશનની ૬ ટીમો અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકી હતી અને ૨૭,૮૮૫ પાણીના પાઉચ જપ્ત કર્યા હતા. જયારે આરોગ્ય શાખા દ્વારા શહેરમાં પાણીના પાઉચનું ઉત્પાદન કરતી ૭ કંપનીઓને તાત્કાલિક અસરથી ઉત્પાદન બંધ કરી દેવા નોટીસ ફટકારવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રેસકોર્સ રીંગ રોડ, એરપોર્ટ રોડ, રેલવે જંકશન રોડ, હોસ્પિટલ રોડ, યાજ્ઞિક રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, મવડી રોડ, કેનાલ રોડ, મિલપરા સહિતના વિસ્તારોમાં ૧૧,૬૮૦ પાણીના પાઉચ, વેસ્ટ ઝોનમાં ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં ૧૦,૭૦૫ પાણીના પાઉચ, ઈસ્ટ ઝોનમાં કુવાડવા રોડ, ગોવિંદબાગ શાક માર્કેટ મેઈન રોડ, પેડક રોડ, સંતકબીર રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્તારમાં ૫,૫૦૦ સહિત શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૨૭,૮૮૫ પાણીના પાઉચ જપ્ત કરવામાં આવ્યા હતા.
પાણીના પાઉચ પર પ્રતિબંધના પ્રથમ દિવસે આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીના પાઉચનું ઉત્પાદન કરતી કંપનીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સપના એજન્સી, મેકસ બેવઝીસ, યુગ બેવઝીસ, કે.ડી.બેવઝીસ, અમૃત બેવઝીસ અને જે.કે.ઈન્ડસ્ટ્રીઝને તાત્કાલિક અસરથી પાણીના પાઉચનું ઉત્પાદન બંધ કરી દેવા નોટીસ ફટકારાઈ હતી તથા પાંચ દિવસ બાદ ફરી ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવી તાકીદ કરાઈ છે.