Surat : ગુજરાતમાં શક્તિના પર્વની ઉજવણી થઇ રહી છે તો બીજી તરફ એક પછી એક બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજ્યમાં કાયદો-વ્યવસ્થા કથળી રહી છે. વડોદરાના ભાયલી બાદ મંગળવારે મોડી રાત્રે સુરતના મોટા બોરસરાંમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. સુરતના માંગરોળમાં દુષ્કર્મના 3 આરોપીઓ ફરાર હતા. જેમાંથી 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. તેમજ આ આરોપીઓને ભાગતા જોઈને પોલીસે ફાયરિંગ કર્યું હતું.
આરોપીઓ ભાગવા જતાં પોલીસે કર્યું ફાયરિંગ
માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં કોઈને ઈજા નથી થઈ. આ દરમિયાન પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો છે, જેને પકડવા કામગીરી ચાલુ છે. તેમજ આ મુજબ મળતી માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપી ઉત્તરપ્રદેશનો છે.
શું હતી સમગ્ર ઘટના?
સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે 8 ઓક્ટોબરે (મંગળવાર) મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.
પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાયું
આ દરમિયાન મોડી રાતથી જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પીડિતાના મેડિકલ ચેકઅપની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આ ઘટનામાં સગીર તેમજ તેના મિત્રને કોઇ ગંભીર ઇજાઓ પહોંચી નથી. 2-3 તમાચા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ આ મામલે ખૂબ ગંભીર છે. જલ્દીથી જલ્દી ગુનો ઉકેલાય અને ગુનેગારોને સજા મળે તે માટે કાર્યવાહી કરી રહી છે.