ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આવી પરિસ્થિતિમાં, ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશોએ પણ મદદનો હાથ લંબાવ્યો, પરંતુ અમેરિકાએ મૌન ધારણ કર્યું છે. ગયા વર્ષે જ્યારે આ વાયરસ અમેરિકામાં તબાહી મચાવતો હતો ત્યારે ભારતે દવાઓ મોકલીને તેની મદદ કરી હતી. જો કે લાંબા સમય બાદ, અમેરિકાએ નિર્ણય લીધો છે કે તે ભારતનું ઋણ ચૂકવશે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બીડેનએ ટ્વિટ કરી કહ્યું છે કે, ‘જેમ મુશ્કેલીના સમયે ભારતે તેમની મદદ કરી હતી, તે જ રીતે હવે અમેરિકા પણ જરૂરિયાતના સમયે ભારતની મદદ કરવા પ્રતિબદ્ધ છે.’
Just as India sent assistance to the United States as our hospitals were strained early in the pandemic, we are determined to help India in its time of need. https://t.co/SzWRj0eP3y
— President Biden (@POTUS) April 25, 2021
USAના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને ભારતીય NSA(National Security Advisor)ના પ્રમુખ અજિત ડોવાલ વચ્ચેની વાતચીતમાં, USAએ રસી માટે જરૂરી કાચો માલ પૂરો પાડવાની સંમતિ આપી છે. અમેરિકન લોકોની જરૂરિયાતોનું ધ્યાન રાખીને પ્રથમ તેને કાચો માલ આપવાની મનાય કરી હતી.
વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘USA ભારત માટે કોવિશિલ્ડ રસીના જરૂરી કાચા માલને તાત્કાલિક ઉપલબ્ધ કરાશે. ભારતમાં ફ્રન્ટલાઈન હેલ્થકેર કામદારોને સુરક્ષિત રાખવા અને કોરોના દર્દીઓની સારવાર માટે જરૂરી વેન્ટિલેટર, પીપીઇ કિટ્સ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કિટ્સ, વગેરે તુરંત આપવામાં આવશે. USA ભારતને તાત્કાલિક ઓક્સિજન ઉત્પાદન અને તેનાથી સંબંધિત પુરવઠો આપવાનાં વિકલ્પો પર કામ કરી રહ્યું છે.’