ભારતમાં ચાલુ સાલ કપાસનું ઉત્પાદન ૩૪૮ લાખ ગાંસડી થવાનો અંદાજ
વા વાયા ને નળિયું ખસ્યું! જીનિંગની મોસમ પુર બહારમાં છે અને ખેડૂતો કપાસનાં ભાવ ૧૨૫૦ રૂપિયા મળવાનાં સપના જોઇ રહ્યા છે કારણકે ટ્રેડવોરનાં કારણે ચીન અમેરિકા પાસેથી રૂ ની ગાંસડી લઇ નહી શકે અને ભારત પાસેથી જ માલ લેવો પડશે એવી સૌને આશા છે એટલે આપણી ગાંસડીની નિકાસ નવા વિક્રમો સર્જશે એવી વાતો સિઝન શરૂ થયા પહેલા જ થતી હતી. એમાં વળી તાજેતરમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધી મંડળ રાજકોટ આવી ગયું એટલે એક વાત એવી પણ આવી કે હવે ભારત ઓસ્ટ્રેલિયામાં રૂ ની નિકાસ કરશે. આ બધી અટકળોને આપણે વા વાયાને નળિયું ખસ્યું વાળી કહેવત સો સરખાવવી પડશે. કારણકે તેજીનાં ગણિત માંડીને
બેઠેલાઓનાં તર્ક ઉંધા પડી રહ્યા છે.
સ્થાનિક વેપારી વર્તુળોના અહેવાલો જણાવે છે કે રાજકોટમાં આવેલું ઓસ્ટ્રેલિયન પ્રતિનીધિમંડળભારતમાં કપાસના ઉત્પાદન વખતે ગુણવત્તા કેવી રીતે સુધારી શકાય તેની ચર્ચા કરી ગયું છે જેમાં ભાગ્યે જ ક્યાંય ભારત પાસેથી રૂ ની ગાંસડી આયાત કરવાની વાત હતી. આમેય તે લોજીક એવું કહે છે કે ઓસ્ટ્રેલિયા ઉંચી ગુણવત્તા વાળી ક્ધટેમિનેશન ફ્રી ગાંસડી વાપરે છે. તેને ભારતની ગાંસડી બહુ લાગતી જ નથી. ઉલ્ટાના જ્યારેભારતમાં રૂ ના ભાવ બહુ ઉંચા જાય ત્યારે ભારતીય સ્પીનરો ઉંચા ભાવે સારો માલ લેવા માટે ઓસ્ટ્રેલિયાી ગાંસડી આયાત કરતા હોય છે.આવી જ રીતે બજારમાં વાતો હતી કે ચીન આ વખતે ભારત માંથી મોટા પાયે રૂ ઉપાડશે. અર્થાત ગત સિઝનનાં અંતે ટ્રેડવેારના કારણે થોડો માલ ગયો પણ હતો. આ વખતે સિઝનનાં પ્રારંભે ચીનની અમુક પાર્ટી ભારત શું આવી કે સૌ ને આગઝરતી તેજી દેખાવા માંડી હતી.
હા, એ વાત સાચી છે કે ટ્રેડવેારના કારણે ચીન અમેરિકાથી રૂ વધારે ખરીદી શકે તેમ નતી, પણ સાચી વાત એ પણ છે કે ચીન રૂ ખરીદતું હતું અને સામે કપડાં અમેરિકામાં નિકાસ કરતું હતું. હવે જો રૂ બીજા દેશનું હોય તો ટ્રમ્પ સાહેબ ચીનને અમેરિકામાં કપડાં નિકાસ કરવા દે? સવાલ સમજી શકાય એવો છે. એવું કહેવાય છે કે જી-૨૦ માં ટ્રમ્પ સાહેબની ચીનનાં જિંગપીંગ સાથે બેઠક થશે તેમાં કદાચ કાંઇ સમાધાનકારી ફોર્મ્યુલા તૈયાર થાય.આમછતાં ચીને તો જાહેરાત કરી જ દીધી છે કે આ વખતે ૧.૫ કરોડ ટન રૂ ની આયાત કરવી પડશે. જે ગત સાલ બે કરોડ ટનની હતી. મતલબ કે વૈશ્ર્વિક બજારમાં ચીનનાં ટેકે અગર કોઇ તેજીની રાહ જોતું હોય તો તેમને માત્ર ડોલરની મજબુતીનો જ લાભ થઇ શકે છે બાકી રાહ જોવામાં તકલીફ થઇ શકે.એમ તો વૈશ્ર્વિક મંચ પર ડબલ્યુટીઓની કમિટીમાં ગત સપ્તાહમાં અમેરિકાએ આરોપો કર્યા હતા કે ભારતમાં ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ મળતા નથી તેથી ક્વોલિટીને અસર થાય છે. જોકે ભારતે આ દાવાને નકારી કાઢ્યા હતા. અને સીસીઆઈ એ ટેકાના ભાવે આંધ્રપ્રદેશ, તેલંગણા તથા મહારાષ્ટ્રમાં ખરીદી શરૂ કરી હોવાના પુરાવા આપ્યા હતા.
આમેય તે સ્થાનીક બજારમાં હજુ કસ દેખાતો નથી ખેડૂતોનાં ભાવે કપાસ લેવાય તો જીનરોને પડતર નથી, તેથી સૌ એક શિફ્ટમાં પ્રોડક્શન કરીને કે રૂ માં મિક્સીંગ કરીને ગાડું હાંકે છે. કોટન એશો. ઓફ ઇન્ડિયા (સીએઆઈ) ઐ સાલ ૨૦૧૮-૧૯ ની સિઝનમાં ૩૪૩ લાખ ગાંસડી કપાસનાં ઉત્પાદનનું અનુમાન આપ્યું છે. અગાઉ ઓક્ટોબર મહિનામાં ઔરંગાબાદમાં ૩૪૮ લાખ ગાંસડી વાનો અંદાજ વ્યક્ત કરાયો હતો. જે પાંચ લાખ ગાંસડીનો અંદાજ ઘટાડાયો છે તેમાં બે લાખ ગાંસડી તો ગુજરાતની જ ઘટાડાઇ છે.આમ ગત સાલ કરતા ઉત્પાદન ઓછું હોવા છતાં જીનરોને પડતરની સમસ્યા સતાવી રહી છે.
કોટન જીનીંગનાં બિઝનેસમાં રુપિયા કમાવા એટલે જીવતાં દેડકાંને જોખીને વજન નક્કી કરવા જેટલું કપરૂં કામ છે ! ગુજરાતનાં જીનરોનાં ગ્રુપમાં ફરતો આ માર્મિક વોટ્સએપ મેસેજ ઓછા શબ્દોમાં ઘણું કહી જાય છે..!