પ્રધાનમંત્રીના હસ્તે આવાસ અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ત્રિપુરાને પુરસ્કાર એવોર્ડ એનાયત
કેન્દ્રના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના શાસ્ત્રી મેદાન ખાતે નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બુધવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ અવસરે શહેરી વિકાસ અને પેટ્રોલિયમ વિભાગના કેન્દ્રીય મંતત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, 2014માં દેશનું સુકાન સાંભળનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આફતોને અવસરમાં પલટીને અનેક વિકાસના કામો કર્યા છે.
વર્ષ 2015માં થયેલી શહેરી વિકાસ પરીકલ્પનાને પરિણામે આજે સ્માર્ટ આવાસો અને સ્માર્ટ સિટીનું નિર્માણ થઈ રહ્યું છે.વડાપ્રધાનના દુરંદેશીભર્યા નિર્ણયોને કારણે આજે મધ્યમવર્ગીય પરિવારોને સુવિધાયુક્ત આવાસો મળી રહ્યા છે. વડાપ્રધાનએ ગરીબો માટે આવાસો બનાવીને શહેરી વિકાસના બીજ ગુજરાતમાં રોપ્યા છે જેના ફળ આજે અન્ય દેશોને મળી રહ્યા છે. આજે શહેરનો વિકાસ ઉર્જાવેગે થઈ રહ્યો છે. અંત્યોદયથી સર્વોદય સુધીનું ખેડાણ કર્યું છે. આજે લાઈટ હાઉસ પ્રોજેકટને કારણે ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહ્યું છે જે શહેરી વિકાસ યોજનાની સફળતા છે તેમ કેન્દ્રીય મંત્રી પુરીએ ઉમેર્યું હતું.
સ્વચ્છ ભારત મિશન, અટલ નવીનીકરણ, શહેરી પરિવર્તિકરણ, દીનદયાળ અંત્યોદય મિશન અને શહેરી વિકાસના હેતુ સાથે આયોજિત કોન્કલેવમાં વિવિધ રાજ્યના વિદ્યાર્થી ભાઈ-બહેનો, ઇનોવેટર, સ્ટાર્ટ-અપ, ઉદ્યોગ સાહસિકો, વૈશ્વિક સ્તરે ઇનોવેટીવ ટેકનોલોજી તેમજ મટીરીયલ્સ ઉપલબ્ધ બનાવતા સ્વદેશી અને વિદેશી એકમો, વ્યવસાયિક આર્કિટેક્ટ્સ, ઈજનેરો, ઇનોવેટિવ કંસ્ટ્રક્શન સાધનો પુરા પડતા એકમો.વિવિધ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો, આર એન્ડ ડી, એકેડેમિક ઇન્સ્ટિટયૂટસ અને લાભાર્થી, જાહેર અને ખાનગી કંસ્ટ્રક્શન એજન્સીઓ, સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશનને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા અફોર્ડબલ શહેરી વિકાસ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શહેરી બાબતો અને પેટ્રોલિયમના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, આવાસ અને શહેરી બાબતોના રાજ્ય કક્ષા મંત્રી કૌશલ કિશોર, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ મનોજ જોશી તથા તમિલનાડુના મંત્રી ટી.એમ.અન્વરસને દેશના જુદા જુદા રાજ્યો દ્વારા અપનાવાયેલી ઇનોવેટીવ ક્ધસ્ટ્રકશન ટેકનોલોજી અને બેસ્ટ પ્રેક્ટિસ અંગેના એક્ઝિબિશનને રસપૂર્વક નિહાળ્યું હતું.આ વેળાએ પ્રધાનમંત્રીના હસ્તે આવાસ અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર વિજેતા રાજ્યો ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ત્રિપુરાને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
તેમજ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના હસ્તે વિવિધ કેટેગરીના 58 વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં ગુજરાતને મ્યુનિસિપલ કાઉન્સિલ, શ્રેષ્ઠ બાંધકામ, અર્બન હાઉસિંગ સોસાયટી, લાઈટ હાઉસ પ્રોજેકટ સહિતની કેટેગરીમાં સાત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યું હતું.આ તકે મંચસ્થ સર્વે મહાનુભાવોને શાલ અને સ્મૃતિ ચિહ્નન અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરી બાબતોના મંત્રાલયના સચિવ મનોજ જોશી દ્વારા પ્રાસંગીક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. આભારવિધિ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી કુલદીપ નારાયણ દ્વારા કરવામાં આવી હતી.