વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કામોની માઇક્રો સોફટના કો-ફાઉન્ડરે ટવીટર પર કરી પ્રશંસા
કોરોના વાયરસની બે રસીનો ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાયા બાદ દરેક જગ્યાએ ભારતનાં ટોચના નેતૃત્વની પ્રશંસા થઈ રહી છે. ત્યારે માઈક્રોસોફટના કો.ફાઉન્ડર બિલ ગેટસે પણ ટવીટરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.
બિલ ગેટસ ટવીટર પર લખે છે કે જે સમયે આખી દુનિયા કોરોના વાયરસ સામે લડવાની કોશિષ કરતી હતી તેવા સમયે વૈજ્ઞાનિક સંશોધન અને વેકિસન ઉત્પાદન ક્ષમતામાં ભારતનું નેતૃત્વ જોઈ આનંદ થાય છે.
બિલગેટસ દેશમાં વધતી જતી કોરોનાની સ્થિતિ જોઈ ચિંતિત છે. તેઓ અગાઉ પણ કોરોનાના મહામારીમાં સાવચેત રહેવા લોકોને અપીલ કરી ચૂકયા છે.તેમણે વધુમાં જણાવ્યું કે કોરોનાની સ્થિતિમાં સુધારો તો થશે જ પણ એ બહુ સહેલું નથી. નવા સ્ટ્રેન પર અંકુશ મેળવવા બહુ ઝડપથી કામ કરવું પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એવી આશા દર્શાવી હતી કે દેશમાં ટુંક સમયમાં જ રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ જશે. તેમણે વીડીયો કોન્ફરન્સનાં માધ્યમથી દેશમાં સૌથી મોટા રસીકરણનો ટુંકમાં પ્રારંભ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી.
વડાપ્રધાન મોદીએ નેશનલ મેટોલોજી કોન્કલેવમાં વૈજ્ઞાનિકોને સંબોધન કર્યું હતુ અને તેમાં રસીકરણને લગતી જાહેરાત કરી હતી.