રાજ્ય ચૂંટણી પંચ દ્વારા Gujarat ની નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલી આઠ બેઠક તથા તાલુકા પંચાયતની બે બેઠકો મળીને કુલ દસ બેઠકોની પેટા ચૂંટણી આગામી તા. આઠમી ઓક્ટોબરના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ ગુજરાતના વિસ્તારોમાં આચારસંહિતાનો અમલ લાગુ થઈ ગયો છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ અંગે ગઈકાલે સોમવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામાં મુજબ ગુજરાતની બે તાલુકા પંચાયતની બે બેઠકો અને આઠ નગરપાલિકાની આઠ બેઠકો મળીને કુલ દસ બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે.
જેના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની ભાભર તાલુકા પંચાયતની અબાસણા (અનુ.આ.જાતિ) બેઠક અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર તાલુકા પંચાયતની રાંધેજા (બિ. અ. સામાન્ય) બેઠકનીખાલી પડેલી બેઠકો ઉપર ચૂંટણી યોજાશે.
આ ઉપરાંત પાટણ જિલ્લાની પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર-૪ની એક બેઠક, જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર-૪ની એક બેઠક, ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકાના વોર્ડ નંબર-૭ ની બેઠક અને કપડવંજ નગરપાલિકાના વોર્ડ નંબર-૪ની એક બેઠક, ગીર સોમનાથ જિલ્લાની તાલાલા નગરપાલિકાના વોર્ડ નંબર-૪ની એક બેઠક, કચ્છ જિલ્લાની રાપર નગરપાલિકાના વોર્ડ નંબર-૫ ની એક બેઠક, આણંદ જિલ્લાની બોરિઆવી નગરપાલિકાના વોર્ડ નંબર એકની એક બેઠક અને મહેસાણા જિલ્લાની વિજાપુર નગરપાલિકાના વોર્ડ નંબર એકની એક બેઠક મળીને કુલ આઠ બેઠકની પેટા ચૂંટણી યોજાશે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઅ અંગેનું જાહેરનામું બહાર પડી દેવામાં આવ્યું છે. જેના કારણે આ ચૂંટણીવાળા વિસ્તારમાં સોમવારથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.
આ બે તાલુકા પંચાયતની બે અને આઠ નગરપાલિકાની આઠ મળીને કુલ દસ બેઠકોની પેટા ચૂંટણી અંતર્ગત આગામી તા.૨૩ મી સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ છે.
જયારે ઉમેદવારી પત્રોની ચકાસણી માટે તા. ૨૫ મી સપ્ટેમ્બર અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ ૨૬મી સપ્ટેમ્બર રહેશે.
આ દસ બેઠકો માટે આગામી તા. ૮ ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણીઓ યોજાશે. જેના અંતર્ગત સવારે ૮ થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાશે. જ્યારે આ દસ બેઠકોની પેટા ચૂંટણી માટેની મતગણતરી આગામી તા. ૧૦ મી ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે તેમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.