બિનવારસી વૃદ્ધાની સંભાળ લઈને શારીરિક સ્વસ્થ કરી નવડાવાયા: વાવડીનાં વૃદ્ધાને તરછોડવાનું શું કારણ ? મહિલા સિકયુરીટી સ્ટાફે અંતે ૧૮૧ની ટીમને સોંપ્યા વૃદ્ધા
સિવિલ હોસ્પિટલમાં ઝણઝણ્યાં ‘સંવેદનાનાં તાર’
શહેરની સિવિલ હોસ્પિટલમાં આજે એક વૃદ્ધાને તરછોડી સંતાનો ભાગી ગયાની ઘટનામાં ફરજ પરના સિકયુરીટી સ્ટાફે જે સંતાનો બનીને વૃદ્ધાની દરકાર લીધી તેની સર્વત્ર સરાહના થઈ રહી છે. વૃદ્ધાને અંતે ૧૮૧ની ટીમને સોંપવામાં આવ્યા હોવાનું સિકયુરીટી તંત્રના ગીરીરાજસિંહ રાઠોડે અબતકને જણાવ્યું હતું. સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ આજે બપોરનાં ૧૧:૩૦ વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલનાં ઈમરજન્સી વોર્ડ પાસે એક અજાણ્યા વૃદ્ધા વારસદારો વગર ઉંધમૂંધ પડેલા જોવા મળતા સિકયુરીટી સ્ટાફનાં એ.ડી.જાડેજા, સુપરવાઈઝર વિશાલભાઈ કારેણા સહિતનો સ્ટાફ વૃદ્ધા તરફ દોડયો હતો.પ્રાથમિક પુછપરછમાં વૃદ્ધાએ પોતાનું નામ રીટાબેન અવિનાશભાઈ મગન હોવાનું તેમજ વાવડી ગામે આવેલા ખોડલ પેલેસ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા હોવાનું જણાવ્યું હતું. વૃદ્ધાએ ગઈ તા.૧૪/૧૦નાં રોજ તેમના સંતાનો કોવિડ સેન્ટરમાં દાખલ કરી ગયા બાદ આજદિન સુધી નહીં ફરકતા તેમની દારૂણ હાલત થઈ હોવાની વિગતો આપી હતી.
વૃદ્ધાએ સિકયુરીટી સ્ટાફને જણાવ્યું હતું કે, તેમની દિકરી નામે દેવશ્રી અને પુત્ર નીરજ છે પણ તેમને કોઈ સાચવતા નથી. અગાઉ તેઓ પુનિતનગર પાણીના ટાંકા પાસેના મામાના મંદિરમાં સેવા પુજા કરતા હતા. હવે આશાપુરા માતાજીના મંદિરે માતાના મઢે જવાની ઈચ્છા દર્શાવી હતી. સિકયુરીટી સ્ટાફે વૃદ્ધાના સંતાનો બની જે સેવા કરી તે નજરે જોનારા લોકોમાં સરાહનારૂપ બની છે. દરમિયાન સિકયુરીટી સ્ટાફે ૧૮૧ અભયમની ટીમને જાણ કરી વૃદ્ધાને હવાલે કર્યા હતા. હવે ૧૮૧ની ટીમ વૃદ્ધાને સાંભળી, વારસદારો સુધી પહોંચવા પ્રયાસ કરશે તેવું જાણવા મળ્યું છે.