સુરક્ષા સેતુ સોસાયટી અને જયોતી સી.એન.સી. દ્વારા ૭મી વખત ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્થળોથી ફુટબોલ પ્લેયર્સ આવ્યા હતા. આ ટુર્નામેન્ટ આવતી ૪ માર્ચ સુધી રમાવનારી છે. આ પ્રસંગે રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ફુટબોલ ફેડરેશનનાં ગુણવંતભાઈ ડેલાવાળા, ડી.સી.પી.કરણરાજ વાઘેલા, મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તથા રાજકોટનાં મેયર જૈમનભાઈ ઉપાધ્યાય સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કમિશનર ગેહલોતે કહ્યું હતું કે, સતત ૭મી વખત ઓપન ગુજરાત ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ શહેર પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટીનાં સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ૩૨ ટીમો ભાગ લઈ રહી છે. પ્લેયરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ ખાતે જે ફેસીલીટી પ્લેયર્સોને મળે છે તે રાષ્ટ્રીય કક્ષાની છે. જેથી ખેલાડીઓને રમવાની ખુબ જ મજા આવે છે.
તમામ પ્લેયરોને હું એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું. સાથો સાથ મહાનગરપાલિકાનો પણ આભાર માનું છું કે રાજકોટમાં ખુબ જ સારી ફેસેલિટી આપવામાં આવી છે. લોકોએ વધુને વધુ ઉપયોગ કરે તે અનિવાર્ય છે કારણકે ખુબ જ સારી સુવિધા આપવામાં આવી રહી છે.
રાજકોટની જનતાને મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ કહ્યું હતું કે, રાજકોટ પોલીસ અને જયોતી સી.એન.સી.એ ખુબ જ મહેનત કરી છે. કુલ ૩૨ ટીમો ભાગ લઈ રહી છે જે એક સરાહનીય વાત કહી શકાય. જેથી હું રાજકોટ પોલીસ અને તેમની સમગ્ર ટીમ અને ખેલાડીઓને પણ શુભેચ્છા પાઠવું છું. સ્પોર્ટસને ઉતેજન મળવું જોઈએ. જેને લઈ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખુબ જ પ્રયત્નશીલ છે કે સરકાર અને સંસ્થાઓના માધ્યમથી ખેલાડીઓને ઉતેજન મળે અને સ્પોર્ટસ એક સામુહિક રમત છે જેનાથી ટીમ સ્પીરીટનું નિર્માણ પણ થાય છે.
મેયર જૈમન ઉપાધ્યાયે કહ્યું હતું કે, આ સમગ્ર ગુજરાતમાંથી ૩૨ ટીમો જે ફુટબોલમાં ભાગ લેવા આવી છે. તેને હું અભિનંદન આપું છું, સ્વામી વિવેકાનંદ કહેતા કે વિદ્યાર્થીઓનું ઘડતર માત્ર યુની.માં નથી થતું વ્યકિતનું ઘડતર રમત ગમતનાં મેદાનમાં થતું હોય છે. જીતીને જાય અથવા તો કંઈક શીખીને જાય તે મહત્વનું છે. અત્યાર સુધી ગુજરાત રાજયનો વિદ્યાર્થી રમત-ગમતમાં ખુબ જ ઓછો રસ લેતો હતો. નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ ખેલમહાકુંભ શરૂ કર્યો હતો. જેથી રમતવીરો અને ખેલાડીઓને ખુબ જ સારું પ્લેટફોર્મ આપ્યું છે. જેનો મહતમ લોકો લાભ લ્યે તે અનિવાર્ય છે.