દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શનિવારે સવારે સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. ગહંડ વિસ્તારમાં સેનાને બેથી ત્રણ આતંકીઓ છુપાયાં હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાના જવાનોએ ચારે બાજુથી આતંકીઓને ઘેર્યા હતા અને કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહીમાં સેનાની 34 આરઆરની ટીમ અને એસઓજીના જવાનો સામેલ હતા. હાલ વધુ આતંકીઓ છુપાયા છે કે નહીં તે અંગે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ પહેલાં શનિવારે આતંકીઓ અને સિક્યોરિટી ફોર્સ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બે આતંકીઓ ઠાર થયા હતા. માર્યા ગયેલા આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીનના હતા, જેમાંથી એક એમટેકનો વિદ્યાર્થી હતો. ગાંદરબલ જિલ્લાના નુનેર ગામનો રાહિલ રાશિદ શેખ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો ત્રણ દિવસ પહેલાં જ આતંકી બન્યો હતો. માર્યો ગયેલો બીજા આતંકીની ઓળખ શોપિયાં જિલ્લાના કીગમ ગામના નિવાસી તરીકે થઈ છે, જેનું નામ બિલાલ અહેમદ છે.
અથડામણ પરગુચી ગામમાં ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાયફલ્સના જવાનો અને રાજ્ય પોલીસની વિશેષ ટીમ ઈમામ સાહિબ બેગ વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન કરી રહ્યાં હતા. પોલીસના જણાવ્યા મુજબ છુપાયેલાં આતંકીઓએ સિક્યોરિટી ફોર્સ પર ગોળીઓ ચલાવી હતી જે બાદ વળતા જવાબમાં બંને આતંકીઓ ઠાર થયા હતા.