સમય-સમયે ગવાતા પ્રાચીન ભજનો અને તેના પ્રકારો

સંધ્યા, ગુરૂ મહિમા, બોધ, સાવડ, આરાધ, સંદેશો, કટારી, પ્યાલો, બંસરી, ઝાલર, મોરલો, હાટડી, હંસલો, પરજ, રામગરી, પ્રભાતી, પ્રભાતીયા વગેરે જેવા 50 જેટલા પ્રકારો ભજનમાં ગવાય છે

ભજન-સંતવાણીના આરંભે ગણપતિનું ભજન ગવાય તે ખરૂં….પરંતુ ગણપતિના ભજનના ઉલટ, પાટ અને નિર્વાણ આમ ત્રણ પ્રકાર છે

 

અબતક-રાજકોટ

‘અબતક’ ચેનલ દ્વારા ‘આનંદ આશ્રમના ઓટલેથી’ કાર્યક્રમ અંતર્ગત આશ્રમના સંતગુરૂ ડો.નિરંજન રાજ્યગુરૂ સાથેનો વાર્તાલાપ કે જેમાં સંધ્યા થી વહેલી સવાર સુધીના ગવાતા ભજનો, ભજનોના પ્રકારો તેમજ સમય-સમયના ભજનો વગેરેનો વિસ્તૃત વાર્તાલાપ તાજેતરમાં ‘અબતક’ ચેનલ દ્વારા ટેલીકાસ્ટ કરવામાં આવ્યો છે. જે વાર્તાલાપનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજૂ કર્યો છે.

સમય-સમયે ગવાતા પ્રાચીન ભજનો અને તેના પ્રકારો

આનંદ આશ્રમના સંત ડો.નિરંજન રાજ્યગુરૂએ ભજન, તેના પ્રકારો અને તેમાં ગુરૂ મહિમાને વર્ણવતા વિસ્તૃત રજૂઆત કરી હતી. જેમાં સંધ્યાથી વહેલી સવાર સુધી ગવાતા ભજનનો ચિતાર આપતા જણાવ્યું હતું કે સંધ્યા એટલે સાંજની આરતીનો સમય, આરતી સમયે ગવાતા પદ જે ખરા અર્થમાં સાકાર છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે સંધ્યા સમયે આરતી અને ભજન બંને ગવાતા હોય છે અને સાયંકાળથી સૂર્યોદય સુધી ગવાતા ભજનો, જેમાં સંધ્યાના ભજનને ડો.રાજ્યગુરૂએ દાન કર્યું હતું. સંધ્યા સમયના ભજનમાં ‘ગર્વકીયો સોયનર હાર્યો, સિયારામજી સે’ આમ સંધ્યાથી ભજનની શરૂઆત થાય ત્યારે પ્રથમ ગણપતિના ભજનને ગાવામાં આવે છે. ગણપતિના ભજન અંગે પણ તેઓએ છણાવટ કરતાં જણાવ્યું હતું કે ગણપતિના ભજનના ત્રણ પ્રકારો છે. જેમાં ઉલટ, પાટ, અને નિર્વાણ આમ ત્રણ પ્રકારોની વ્યાખ્યા આપતાં તેઓએ જણાવ્યું હતું કે ઉલટમાં ‘પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા’, જ્યારે પાટની વ્યાખ્યા કરતાં તેઓએ જણાવ્યું હતું કે રામદેવપીરનું પાટોત્સવ અથવા પાટપૂર્યો હોય ત્યારે ‘જમા, જાગરણ, કુંભ સ્થપાયા મળ્યા જતી અને સતી ગરવા પાટે પધારો ગણપતિ’ તેમજ નિર્વાણ એટલે કે જેમાં સંત, મહાપુરૂષોની સમાધિ વેળાંએ ગવાતું ગણપતિનું ભજન ‘મૂળ મહેલનાં વાસી ગુણેશા’ જેવા ગણપતિના ભજનો વિવિધ પ્રકારે ગાવામાં આવે છે.

ત્યારબાદ ગુરૂ મહિમાના ભજનો જેવા કે ‘અમારા અવગુણ રે ગુરૂજીના ગુણ તો ઘણાં’ ‘સદ્ગુરૂ તમે મારા તારણહાર’ વગેરે જેવા ભજનો દ્વારા ગુરૂ મહિમાનું ગાન કરવામાં આવે છે. તેઓએ એમ પણ જણાવ્યું કે કોઇપણ ધર્મના સંપ્રદાયએ ગુરૂ મહિમા ગાયો જ છે.આમ ગુરૂ મહિમાના ભજનો બાદ ગુરૂની શિખામણરૂપી ભજનોની શરૂઆત થાય, જેમાં ‘એવા દૌરગાં ભેળા નવબેસીએ’, ‘બેદલમુખથી મિઠાં બોલે એની વાણીમાં વરમન ડોલે’, ‘મળ્યો મનુષ્ય જનમ અવતાર માંડ કરીને’ આમ ગુરૂ શિષ્યને બોધ અને ચેતવણી આપતી ઉપદેશની વાણીમાં શરીરની ઓળખાણ કરાવે છે. જેના ભજનોની વ્યાખ્યા કરતાં તેઓએ જણાવ્યું હતું કે ‘કોણે બનાવ્યો પવન ચરખો એના ઘડનારાને પરખો’ આમ શરીરની ઓળખાણની સાથેસાથે સાધનામાં જ્યારે આગળ વધે ત્યારે તેને ભજન જ્ઞાન લાગે અને તે ગાય ‘સદ્ગુરૂએ મને ચોરી શિખડાવી’ આવા અનેક પ્રકારના ભજનો રજૂ કરવામાં આવે છે.

રાત્રિ બારેક વાગ્યેના સમયે રામદેવપીરની સાવડ જેમાં ‘વાગે ભડાકા ભારી, ભજનના વાગે ભડાકા ભારી’ જેવા ભજનો રજૂ થાય છે. સાથેસાથે સદ્ગુરૂ મહારાજ અને પરમ કૃપાળુ પરમાત્માને આરાધના કરતા ભજનો ‘આરાધ’ જેમાં આરાધ પણ અનેક પ્રકારે ગાવામાં આવે છે, જેમાં ‘અજરા જરીયા ન જાય થોડે થોડે સંતો સાધપીઓજી’, ‘જેસલ કરી લે વિચાર માથે જમકેરો માર’, ‘નુરીજન સતવાદી આજ મારા ભાઇલા આરાધો’, ‘લાખા ધ્યાનમા બેસીને તમે ધણીને આરાધા’ે

આમ ભજનોના જુદા-જુદા પ્રકારોમાં કટારી અંગેની વ્યાખ્યા કરતાં જુદાજુદા સંતોની લખેલી કટારી જુદાજુદા રાગમાં કરાય છે. જેમાં ‘કલેજા કટારી રે રૂદીયા કટારી માડી માવે લઇને મારી’, ‘પ્રેમ કટારી આરંપાર’ વગેરે…..

પ્યાલો જેના ભજનોમાં ‘દયાકરી મને પ્રેમે પાયો, નૈનોમાં વરસે નીર’, ‘પ્યાલો મને પાયો, પાયો રે ગુરૂજીએ મારે મેરૂ રે કરી’, ‘ગુરૂજીએ પાયોઅગાજ પ્યાલો દૂજો કોણ પીવે’, ‘મેરે રામ રસ પ્યાલા ભરપૂર પીવે કોઇ ઘટક-ઘટક-ઘટક’

રાત્રે અઢી વાગ્યાના સમયે ગવાતા ભજનોમાં ખાસ કરીને પરજ કે જેમાં ‘લાવો લાવો કાગડીયો અને દૌર લખીએ ભરીને રે’, ‘ગુરૂજીનો મોટો મહિમા’ વગેરે-વગેરે…

સવારે 4 વાગ્યે ગવાતી રામગરીમાં ‘જીવણ જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા’, ‘હારને કાજે નવમારીએ હઠીલા હરજી અમને’….

સવારે 5 વાગે ગવાતા પ્રભાતી અને પ્રભાતીયા વિશે તેઓએ સુંદર ગાન દ્વારા રજૂઆત કરી હતી જેમાં ‘જાજા નિંદરા હું તને મારૂ, તુ છો નાર ધુતારી’, ‘મેં કાનૂડા તોરી ગોવાલળ મોરલીએ લલચાણી’, ‘જાગોને જસોદાના જાયા, વાણલા વાયા’ ત્યારબાદ ગવાતા પ્રભાતીયામાં ઉમેરો કરતા તેઓએ જણાવ્યું કે ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયા, તુજ વિના ધેનમાં કોણ જાશે’, ‘અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રીહરિ’  ‘હું કરૂં-કરૂં એ જ અજ્ઞાનતા’ આમ સંધ્યાથી વહેલી સવાર સુધીના ગવાતા સમય-સમયના ભજનોનું ખૂબ મહત્વ રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.