- ડેમેજ કંટ્રોલના ભરપૂર પ્રયાસ
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે રાજકોટ, જામનગર અને ભાવનગર બાદ સુરેન્દ્રનગર અને ભુજમાં પણ લગલગાટ ભાજપ સાથે જોડાયેલ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠકો યોજી
ભાજપના રાજકોટ બેઠકમાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ક્ષત્રિય સમાજની સમિતિએ ભાજપને મત ન આપવાનું એલાન કર્યું છે. તેવામાં હવે ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા મેદાને ઉતર્યું છે. ભાજપે આ માટે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરને જવાબદારી સોંપી છે. જેથી તેઓએ લગલગાટ પાંચ બેઠકો ઉપર ભાજપ સાથે જોડાયેલ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠકોનો ધમધમાટ ચલાવ્યો છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી સામે રાજ્યભરમાં ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યુ છે અને આંદોલનની વ્યાપક્તા વધી રહી છે. માત્ર એટલું જ નહીં ક્ષત્રિયોએ બોયકોટ ભાજપ અભિયાન શરૂ કર્યું છે. ક્ષત્રિયોના આંદોલનને પગલે ગૃહ રાજ્યમંત્રી એક્ટિવ થઈ ગયા છે અને રવિવારે એટલે કે 21 એપ્રિલે હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર રાજકોટ પહોંચ્યા હતા અને ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી.ત્યાર બાદ 22 એપ્રિલે તેઓ ભાવનગર અને જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. આમ ક્ષત્રિયનું વર્ચસ્વ ધરાવતા વિસ્તારોની તાબડતોબ મુલાકાતો લઈ હર્ષ સંઘવીએ ડેમેજ કંટ્રોલ કરવા માટે ગુપચૂપ રીતે નવું જ ઓપરેશન શરૂ કર્યું છે. હર્ષ સંઘવીએ 24 કલાકમાં જ પાંચ લોકસભા સીટની મુલાકાત કરી હતી. તેમાં પણ 22 એપ્રિલે તો ચાર્ટર્ડ પ્લેનમાં ત્રણ લોકસભા સીટ પર ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી.
21 એપ્રિલે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી ખાનગી હોટેલમાં રત્નાકર અને હર્ષ સંઘવીએ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા,જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા સહિતના 20 જેટલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પણ સાથે રહ્યા હતા. સંઘવી અને રત્નાકરે ભાજપના આ ક્ષત્રિય આગેવાનોને કહ્યું હતું કે,તેઓ પોતાના સમાજથી અળગા રહેવાની બદલે સમાજ વચ્ચે જઈ સમજાવે કે પુરૂષોતમ રૂપાલા દ્વારા થયેલા નિવેદન બાદ રૂપાલાએ ત્રણ વખત ક્ષત્રિય સમાજની માફી માગી લીધી છે, ત્યારે ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડવાના પ્રયાસ કરવા જોઇએ. આ ઉપરાંત ક્ષત્રિય સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે, જેથી રાષ્ટ્રના વિકાસના હિતમાં ભાજપને સહયોગ આપે તે પ્રકારની અપીલ કરી હતી.
આ સાથે જ તેમણે સામાજિક સમરસતા જાળવવા પણ કહ્યું હતું. રાજકોટમાં ઓચિંતિ મુલાકાત લીધા બાદ રત્નાકર અને હર્ષ સંઘવી રાત્રે જામનગર પહોંચ્યા હતા. જ્યાં એક હોટલમાં તેઓની ભાજપના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય નેતાઓ અને ભાજપ સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા.રાજકોટ અને જામનગરમાં ક્ષત્રિયો સાથે બેઠક કર્યા બાદ 22 એપ્રિલે ગૃહ રાજ્યમંત્રી સંઘવી અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર ચાર્ટર્ડ પ્લેન દ્વારા ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાર્ટીકો હોટલ ખાતે ભાવનગર ભાજપના સંગઠનોના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. તેની સાથે સાથે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ મિટિંગ સતત બે કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ભાજપના મહિલા ઉમેદવાર નિમુબેન બાંભણિયા, જીતુ વાઘાણી, શહેર પ્રમુખ અભય ચૌહાણ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
સુરેન્દ્રનગરની અચાનક મુલાકાતે પહોંચ્યા અને ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા નેતાઓ સાથે ખાસ બેઠક યોજી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ આઇ.કે.જાડેજા સહિત જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા, દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે.પરમાર, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ખાસ હાજર રહ્યાં હતા.આ બેઠક બાદ હર્ષ સંઘવી અને રત્નાકર ભુજ દોડી ગયા હતા. જ્યાં તેમણે સેવન સ્કાય હોટેલમાં કચ્છના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં ક્ષત્રિયોએ શરૂ કરેલા બોયકોટ ભાજપ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, પ્રદ્યુમનસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિત તમામ ધારાસભ્યો અને ક્ષત્રિય આગેવાનો સામેલ થયા હતા.