પરીક્ષા, નાણા, કારોબારી અને શૈક્ષણીક સમિતિઓમાં નિમણુંક: નોન ગ્રાન્ટેડ શાળાના સભ્યોને સ્નાન નહી.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સોમવારે સામાન્ય સભાની બેઠક મળી હતી. આ બેઠકમાં જુદી જુદી ચાર કમિટીઓ માટે સભ્યોની નિયુક્તિ કરવાની પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કરાયું હતું. ચાર કમિટીઓમાં ઉમેદવારી કરનારા સભ્યોના નામો જાહેર કરવાના હતા. કયા કયા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તે જાહેર કરવાના બદલે તમામ પ્રક્રિયા સમરસ કરી દેવામાં આવી હતી. કયા ઉમેદવાર સામે કોણે ઉમેદવારી નોંધાવી હતી તેની વિગતો પણ જાહેર કરવામાં ન આવતાં બોર્ડના અનેક સભ્યોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો. બોર્ડની ચૂંટણી પૂરી થયા બાદ જુદી જુદી ચાર કમિટીઓ જેવી કે પરીક્ષા સમિતિ, નાણાં સમિતિ, કારોબારી સમિતિ અને શૈક્ષણિક સમિતિઓમાં સભ્યોની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. બોર્ડમાં કારોબારીની કમિટી સૌથી મહત્વની ગણવામાં આવે છે. કારોબારીમાં કુલ ૧૦ સભ્યોની નિમણૂક કરવાની હોય છે.
જેમાં ૮ સભ્યોની ચૂંટણી યોજવામાં આવે છે. કારોબારી દ્વારા નવી શાળાઓને મંજુરી આપવી, શાળાઓની મંજુરી રદ કરવી, શાળાઓ માટેના નવા નિયમો તૈયાર કરવા વગેરે નીતિવિષય બાબતોનો નિર્ણય કારોબારીની બેઠકમાં લેવામાં આવતો હોય છે. ત્યારબાદ પરીક્ષા સમિતિ પણ મહત્વની ગણવામાં આવે છે જેમાં કુલ ૯ સભ્યો પૈકી ૬ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા સંચાલનની કામગીરી આ કમિટી દ્વારા કરવામાં આવે છે. આજની બેઠકમાં એકપણ કમિટીમાં ચૂંટણી યોજવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ નહોતી. દરેક સમિતિમાં સભ્યોની નિમણૂક સમરસના ધોરણે કરવામાં આવી હતી. સૂત્રો કહે છે આજની બેઠકમાં કઇ કમિટીમાં કોણે ઉમેદવારી નોંધાવી છે તેની વિગતો જાહેર કરવાના બદલે સીધી નિમણૂકોની જાહેરાત કરી દેવામાં આવી હતી. આમ, સરકારે સમરસતાના નામે શામ,દામ દંડ અને ભેદની રાજનીતિ કરીને નિમણૂકો કરી દેવામાં આવી હોવાના આક્ષેપો પણ સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા.
સભ્યો કહે છે સરરસતાના નામે જે નિમણૂકો કરવામાં આવી છે તેમાં સ્વનિર્ભર શાળા સંચાલકોને કે સભ્યોને કોઇ સ્થાન આપવામાં આવ્યુ નથી. દરેક કમિટીમાં માત્ર ગ્રાન્ટેડ અને સરકારી શાળાના સભ્યોને જ નિમણૂક આપી દેવામાં આવી છે. નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો કે શિક્ષકોનો કોઇ જગ્યાએ સમાવેશ કરાયો નથી. આમ, આ સમગ્ર પ્રક્રિયા એકતરફી કરવામાં આવી હોવાના આક્ષેપ પણ સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા.