હાઇકોર્ટનો આદેશ પલટાવી પતિ-પત્નીનો ભેંટો કરાવતી સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી દંપત્તિને સાથે રહેવાનો તેમજ પોલીસને પ્રોટેક્શન આપવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, પુરુષના પહેલી પત્ની સાથે યોગ્ય રીતે છુટાછેડા થયાં નથી એટલે તેના બીજા લગ્ન નલ એન્ડ વોઇડ ગણી સંબંધને ઈમોરલ સંબંધ ગણાવી યુવતીની કસ્ટડી પરીવારને સોંપી દીધી હતી. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દંપતી પોલીસ સુરક્ષા હેઠળ એકબીજાને મળ્યા હતા. પતિએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ પછી પત્નીનો પક્ષ જાણ્યા બાદ પ્રકાશમાં આવ્યું કે તેના માતાપિતાએ તેને પતિથી બળજબરીથી અલગ રાખી હતી.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો મૂળ બનાસકાંઠાના અરજદાર પીન્ટુભાઇ રાયચંદ માળીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં જણાવ્યું હતું કે, તેની પત્નીના પરીવારજનો બળજબરીપૂર્વક પત્નીને અલગ કરી રહ્યા છે. યુવતીના પરીવારજનો તેના લગ્ન ક્યાંક બીજે કરાવવા માંગતા હોય પત્નીને બળજબરીપૂર્વક પૂરીને રાખે છે.
અરજદાર પિન્ટુભાઈ રાયચંદજી માળીએ અરજી દાખલ કરી હતી જેમાં તેમના સાસરિયાઓ તેમની પત્નીને બીજે લગ્ન કરાવવા માંગતા હોવાનો આક્ષેપ કર્યો હતો. અરજદારે અગાઉ હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ યુવકની પ્રથમ પત્ની સાથે યોગ્ય છૂટાછેડા થયાં નથી છતાં અન્ય કોઈ સાથે લગ્ન કર્યા હોવાનો અનૈતિક આચરણનો આરોપ મૂકીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને યુવતીની કસ્ટડી પરીવારજનોને સોંપી દીધી હતી.
અરજદારના વકીલ ડી એન રેએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે ચુકાદો આપતા પહેલા ઓછામાં ઓછી મહિલાની ઈચ્છા જાણી લેવી જોઈએ. જેના પર ખંડપીઠે બનાસકાંઠા ફેમિલી કોર્ટના ન્યાયાધીશને મહિલાની જુબાની લઇ તેને બંધ કવરમાં સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસને મોકલવા આદેશ આપ્યો હતો. આ પછી બનાસકાંઠા ફેમિલી કોર્ટનાં પ્રિન્સિપાલ જજે યુવતીની જુબાની લઇ સૂચના મુજબ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસને મોકલ્યું હતું. યુવતીએ તેની જુબાનીમાં જણાવ્યું હતું કે, મહિલાને તેની મરજી વિરુદ્ધ કેદમાં રાખવામાં આવી છે. મહિલાએ તેના માતા-પિતા અને કાકા પાસેથી તેના અને પિન્ટુભાઈના જીવને જોખમ હોવાનો ડર પણ વ્યક્ત કર્યો હતો.
આ અહેવાલ બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે બનાસકાંઠાના પોલીસ અધિક્ષકને આદેશ આપ્યો હતો કે તે મહિલાને તેના માતા-પિતાના કબજામાંથી મુક્ત કરાવી તેને તેના પતિ પાસે લઈ જવા માટે તાત્કાલિક પગલાં લ્યે. આ સાથે જ જીવના જોખમને ધ્યાનમાં રાખીને બેન્ચે એસપીને મહિલા અને તેના પતિ સાથે રહે છે તો તેમને પૂરતી સુરક્ષા આપવાનો આદેશ પણ આપ્યો હતો.
ખંડપીઠે મહિલાના માતા-પિતા અને સંબંધીઓને નોટિસ પાઠવીને મહિલાને તેની મરજી વિરુદ્ધ કેદમાં રાખવા બદલ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી તેનો જવાબ આપવા જણાવ્યું છે. ખંડપીઠે હાઈકોર્ટના આદેશ પર પણ સ્ટે મૂક્યો હતો, જેણે અરજદાર સાથે મહિલાના લગ્ન રદ કર્યા હતા.
બનાસકાંઠા ફેમિલી કોર્ટનાં જજને યુવતીની જુબાની લઇ બંધ કવરમાં ચીફ જસ્ટિસને મોકલવા આપ્યો’તો આદેશ
સુપ્રીમ કોર્ટનાં કાઉન્સિલ ડી એન રેએ ‘અબતક’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, એક પુખ્ત વયના યુવક અને યુવતીએ લગ્ન કર્યા બાદ યુવતીના પરીવારજનોએ તેણીને ગેરકાયદે કેદ કરી પતિ પાસે જવા દેતા ન હતા. જે મામલે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે યોગ્ય છૂટાછેડા વિનાનો બીજા પાત્ર સાથેનો સંબંધ અયોગ્ય ગણી યુવતીનો કબ્જો તેના પરીવારને આપી દીધો હતો. જે બાદ યુવકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં અદાલતે યોગ્ય મેરેજ સર્ટિફિકેટ અને યુવતીની પતિ સાથે રહેવાની ઈચ્છાને ધ્યાને રાખી યુવતીને તેના પતિ સાથે ભેંટો કરાવવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, સુપ્રીમ કોર્ટે બનાસકાંઠા ફેમિલી કોર્ટનાં પ્રિન્સિપાલ જજને યુવતીની જુબાની લઇ ચીફ જસ્ટિસને બંધ કવરમાં મોકલવા આદેશ આપ્યો હતો. જે બાદ જજે જુબાની લેતા યુવતીએ પતિ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પરીવારજનો બળજબરીપૂર્વક કેદમાં રાખતા હોય અને અત્યાચાર કરતાં હોય તેવું પણ જણાવ્યું હતું.
પતિ-પત્નીને સુરક્ષા આપવા બનાસકાંઠા પોલીસ અધિક્ષકને આદેશ
કાઉન્સિલ ડી એન રેએ ‘અબતક’ સાથેની ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે યુવતીની જુબાનીને ધ્યાને લીધા બાદ તાતકાલિક યુવતીને તેના પરીવારના ચૂંગાલમાંથી મુક્ત કરાવી પતિ સાથે ભેંટો કરાવવા આદેશ આપ્યો હતો. તેમજ સુપ્રીમ કોર્ટે બનાસકાંઠા પોલીસ અધિક્ષકને પતિ-પત્નીના જીવના જોખમને ધ્યાને રાખીને સુરક્ષા આપવા પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર પણ સ્ટે આપ્યો હતો અને યુવક-યુવતીને સાથે રહેવાનો અધિકાર આપ્યો છે.
મહિલાને તેની મરજી વિરુદ્ધ કેદમાં રાખવા બદલ કાર્યવાહી કેમ ન કરવી?: સુપ્રીમ કોર્ટે નોટીસ આપી પરીવારજનો પાસે માંગ્યો જવાબ
મહિલાને તેના પતિથી દૂર રાખવા માટે તેના માતા-પિતા અને કાકા દ્વારા મહિલાને તેની મરજી વિરુદ્ધ કેદમાં રાખવામાં આવી હતી. જે વ્યથા અંગે મહિલાએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું. પરીવારજનો અત્યાચાર કરતાં હોય તેવું પણ મહિલાએ જણાવ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટે મહિલાને તેના પતિ સાથે રહેવા માટેનો ચુકાદો આપ્યા બાદ મહિલાના પરીવારજનોને નોટીસ ફટકારી મહિલાને તેની મરજી વિરુદ્ધ કેદમાં રાખવા બદલ શા માટે તમારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ન આવે તેનો જવાબ માંગ્યો છે.