જામનગર શહેરમાં વહેલી સવારે માત્ર ચાર કલાકમાં ધોધમાર ચાર ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
જોડીયામાં પણ સવારે બે કલાકમાં એક ઇંચ વરસાદ: કાલાવડમાં ગઈકાલે બે ઇંચ: લાલપુર- જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ
અબતક જામનગર- સાગર સંઘાણી
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના અનુસંધાને આજે શુક્રવારે સવારે જામનગર શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી, સવારે ૬.૦૦ વાગ્યાથી ૧૦.૦૦ વાગ્યા સુધીના ચાર કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર ચાર ઇંચ વરસાદ પડી જતાં અનેક વિસ્તારોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
વહેલી સવારે ૬.૩૦ વાગ્યે સૌપ્રથમ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, પરંતુ મેઘરાજાએ તોફાની બેટિંગ નો પ્રારંભ કર્યો હતો, અને ચાર કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર ૪ ઇંચ વરસાદ વરસી ગયો હતો. હવામાન વિભાગના જણાવાયા અનુસાર જામનગર શહેરમાં ૧૦.૦૦ વાગ્યા સુધી માં ૧૦૧ મી.મી. પાણી પડી ગયું છે. શહેરના અનેકકનીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી લોકોમાં ફરીથી ભયનો માહોલ સર્જાયો ભય નો માહોલ સર્જાયો હતો, તેમજ વહેલી સવારે અનેક વાહન ચાલકો પાણી ના પ્રવાહ ના કારણે અટવાઈ પડ્યા હતા.
જોકે ૯.૪૫ વાગ્યાથી મેઘરાજા એ વીરામ લીધો હતો, અને મહદ અંશે ઉઘાડ થયો હતો, અને ધીમે ધીમે પાણી ઓસર્યા હતા.
જામનગરની સાથે સાથે જોડિયામાં પણ આજે સવારે મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યું હતું, અને પ્રથમ બે કલાકમાં જ એક ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે જિલ્લાના અન્ય તાલુકા મથકોમાં માત્ર વરસાદી વાતાવરણ રહ્યું છે, અને હજુ વરસાદ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
કાલાવડમાં ગઈકાલે બપોરે ચાર ચાર વાગ્યા બાદ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું, અને ત્રણ કલાકના સમયગાળા દરમિયાન ૪૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. તે જ રીતે લાલપુરમાં ૧૭ મી.મી. અને જામજોધપુર માં ૧૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.
ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં ગઈકાલે ૩૫ મી.મી. વરસાદ નોંધાયો છે. તે જ રીતે જામજોધપુર તાલુકાના મોટા ખડબામાં ૨૨ મી.મી., હરિપરમાં ૧૦ મી.મી., જામનગર તાલુકાના મોટી ભલસાણ માં ૧૪ મી.મી. અને અલિયાબાડામાં ૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લાના ડેમો ની વાત કરવામાં આવે તો જિલ્લાના ૨૫ જળાશયો પૈકી ૯ ડેમો માં નવા પાણીની આવક થવાથી ફરીથી નવ ડેમ ઓવર ફ્લો થયા છે, જ્યારે ત્રણ ડેમના પાટિયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.