- સ્ટોક એક્સચેન્જો, ક્લીયરિંગ મેમ્બરો અને સ્ટોક બ્રોકર્સને રિયલ ટાઈમ ડેટા થર્ડ પાર્ટી સાથે શેર ન કરવા સ્પષ્ટ સૂચના
ગેમિંગ એપ ઉપરના વર્ચ્યુઅલ સટ્ટા અને શેરબજાર ઉપર રમાતા સટ્ટા સામે સેબીએ ડોળો કાઢ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ રીઅલ–ટાઇમ ડેટા શેરિંગ અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે. તેણે સ્ટોક એક્સચેન્જો, ક્લીયરિંગ મેમ્બરો અને સ્ટોક બ્રોકર્સને રિયલ ટાઈમ ડેટા થર્ડ પાર્ટી સાથે શેર ન કરવા સ્પષ્ટ સૂચના આપી છે. જો કોઈ ડેટા શેરિંગ હોય તો તેના માટે યોગ્ય કરાર હોવો જોઈએ અને તેનો રેકોર્ડ રાખવો જોઈએ.
સેબીનું કહેવું છે કે ડેટા શેરિંગ એગ્રીમેન્ટમાં એ પણ સ્પષ્ટ હોવું જોઈએ કે તેનો ક્યાં ઉપયોગ કરવામાં આવશે. બ્રોકર્સ અને એક્સચેન્જોના બોર્ડ સમીક્ષા કરશે કે ડેટા કયા હેતુઓ માટે શેર કરવો જોઈએ અને કયા માટે નહીં.
સેબીએ જણાવ્યું હતું કે, ’માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સ (એમઆઈઆઈ) અથવા બજાર મધ્યસ્થીઓએ એવી એન્ટિટી સાથે સ્પષ્ટ કરાર કરવો પડશે કે જેની સાથે તેઓ રિયલ–ટાઇમ ડેટા શેર કરવા માગે છે. તે પણ સ્પષ્ટ કરવું જોઈએ કે ડેટા કયા હેતુ માટે આપવામાં આવશે અને તેનો કોઈ દુરુપયોગ થશે નહીં.
સેબીએ જણાવ્યું હતું કે એમઆઈઆઈના બોર્ડે દર નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા એક વખત ડેટાનો ઉપયોગ કરતી સંસ્થાઓની કામગીરીની સમીક્ષા કરવી જોઈએ.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર રિયલ ટાઈમ ડેટાનો ઉપયોગ કરીન સટ્ટાબાજી, લીગ અને ટ્રાન્ઝેક્શન જેવી પ્રવૃત્તિઓ ઝડપથી વધી છે. આ રમતોમાં સામાન્ય રીતે એન્ટ્રી ફી હોય છે અને જીતવા પર ઈનામી રકમ આપવામાં આવે છે. અહીં વપરાશકર્તાઓ વાસ્તવિક સ્ટોક પ્રદર્શન સાથે જોડાયેલ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પોર્ટફોલિયો કોણ બનાવી શકે છે તેના પર દાવ લગાવે છે.
સ્ટોક એક્સચેન્જો સ્ટોક બ્રોકર્સ અને ક્લાયન્ટ્સને પેઇડ સર્વિસ તરીકે વિવિધ માર્કેટ સેગમેન્ટ્સ માટે રીઅલ–ટાઇમ ડેટા ઓફર કરે છે. પરંતુ, હવે સેબીએ સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણ અને જાગરૂકતા સંબંધિત કાર્યક્રમો માટે તેને એક દિવસ પછી માર્કેટ ડેટા શેર કરવાની સૂચના આપવામાં આવી છે. સેબીએ કહ્યું કે આ નિયમો આ પરિપત્ર જારી થયાના 30 દિવસ પછી લાગુ થશે.