અનિલ અંબાણીને વધુ એક ઝટકો: કથિત રીતે છેતરપિંડીના આરોપ હેઠળ લેવાયો નિર્ણય

માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ અને તેના માલિક ઉદ્યોગપતિ અનિલ અંબાણીને સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા છે. સેબીએ આ નિર્ણય કંપનીને લગતી કથિત છેતરપિંડીની ગતિવિધિઓની સજા તરીકે લીધો છે.

આ સિવાય સેબીએ વધુ ત્રણ વ્યક્તિઓ પર પણ કડક વલણ દાખવીને તેમને શેરબજારમાંથી પ્રતિબંધિત કર્યા છે. આ ત્રણ લોકોમાં અમિત બાપના, રવિન્દ્ર સુધાકર અને પિંકેશ આર. શાહનું નામ છે. તેમના પર કંપની સાથે સંકળાયેલી કથિત છેતરપિંડીની પ્રવૃત્તિઓનો પણ આરોપ છે.

સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેના વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે, સેબીમાં નોંધાયેલ કોઈપણ મધ્યસ્થી, કોઈપણ લિસ્ટેડ જાહેર કંપની અથવા કોઈપણ જાહેર કંપનીના કાર્યકારી નિર્દેશકો/પ્રમોટર્સ કે જે મૂડી એકત્ર કરવાનો ઈરાદો ધરાવે છે તેની સાથે એન્ટિટીઝને જોડવા પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ આગામી આદેશો સુધી છે.

આ સમાચાર આવ્યા પહેલા જ રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરની હાલત ખરાબ થઈ ગઈ હતી અને શેરની કિંમત 5 રૂપિયાથી ઓછી છે.  શુક્રવારે બજાર બંધ થતાં અનિલ અંબાણીની કંપનીનો શેર 1.5 ટકાના ઘટાડા સાથે રૂ. 4.93 પર ટ્રેડ કરી રહ્યો હતો.  હવે સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત થયા બાદ આ કંપનીના બાકીના શેરધારકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે.

અનિલ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીના ભાઈ છે.  લાંબા સમયથી અનિલ અંબાણીની કંપનીઓ વિશે ચિંતાજનક સમાચારો આવી રહ્યા છે.  હવે અનિલ અંબાણી પર સેબીની તાજેતરની કડકાઈ તેમના માટે મુશ્કેલીમાં વધારો કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.