વર્ષ ૨૦૦૯માં પ્રકાશમાં આવેલા રૂ.૮૦૦૦ કરોડના સત્યમ કૌભાંડમાં દોષી પ્રાઈઝવોટર હાઉસ સહિત તેના બે ભાગીદારો પર પ્રતિબંધ: ૪૫ દિવસમાં રૂ.૧૩ કરોડના દંડ ચુકવવા સેબીનો આદેશ
દુનિયાની સૌથી મોટી પ્રોફેશ્નલ સર્વિસીઝ ફર્મમાંથી એક ગણાતી આંતરરાષ્ટ્રીય ઓડીટીંગ ફર્મ પ્રાઈઝ વોટર હાઉસ સેબીના ઝપેટમાં આવી છે. વર્ષ ૨૦૦૯ થી પ્રકાશમાં રહેલા કરોડો રૂપિયાના સત્યમ કૌભાંડમાં પ્રાઈઝ વોટર હાઉસનું નામ ખુલતા સેબીએ બે વર્ષનો પ્રતિબંધ મુકયો છે. જેથી પ્રાઈઝ વોટર હાઉસ ફર્મ હવે બે વર્ષ માટે કોઈપણ લીસ્ટેડ કંપનીનું ઓડિટ કે ઓડીટ પ્રમાણપત્ર જાહેર કરી શકશે નહીં. આ ઉપરાંત માર્કેટ રેગ્યુલેટર સેબીએ ૧૩.૦૯ કરોડ રૂપિયાનો દંડ ચુકવવા આદેશ કર્યો છે. જાન્યુઆરી, ૨૦૦૯ થી અત્યાર સુધી ૧૨%ના વ્યાજ સાથેની રકમ ચુકવવા કહ્યું છે.
સેબીના આદેશ પ્રમાણે એપ્રિલ ૨૦૧૮ થી પ્રાઈઝ વોટર હાઉસ ઓડિટીંગ કરી શકશે નહીં. આ ઉપરાંત પ્રાઈઝ વોટર હાઉસ બેંગલોર અને તેના અગાઉના બે ભાગીદાર એસ.ગોપાલકૃષ્ણન અને શ્રીનિવાસ તલ્લુરીને પણ ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મુકયો છે. જેમાં તે કોઈ પણ લીસ્ટેડ કંપનીને ત્રણ વર્ષ માટે ઓડીટ સર્ટીફીકેટ આપી શકશે નહીં. આ સાથે ૪૫ દિવસની અંદરમાં ૧૩ કરોડ રૂપિયા ચુકવવા કહેવાયું છે.
જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૯માં સત્યમ કૌભાંડ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં ૮૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડની આશંકા છે. આ કૌભાંડમાં પ્રાઈઝ વોટર હાઉસ અને તેના બે ભાગીદારો સહિત કંપનીના ચાર્ટડ એકાઉન્ટનો પણ ફાળો હોવાનું ખુલ્યું છે. સેબીના આ પ્રકારે બે વર્ષના પ્રતિબંધનના આદેશને પગલે ઓડીટીંગ ફર્મ વોટર હાઉસે એક અહેવાલમાં નિરાશા વ્યકત કરી છે અને પોતે આ કૌભાંડનો હિસ્સો ન હોવાનું કહ્યું છે.