રાજકોટમાં ૫૦ દિવસમાં ૧૦ દર્દીઓના મોત: ચાર વ્યકિતઓની હાલત ગંભીર: આઈસીયુમાં ખસેડાયા
રાજકોટ શહેરમાં સિઝનલફલુના કહેરને કારણે લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે ત્યારે રવિવારે રાજકોટમાં વધુ બે મોત નિપજતા શહેરનો મૃત્યુઆંક વધીને ૧૦ સુધી પહોંચ્યો છે. જયારે સૌરાષ્ટ્રમાં કુલ ૨૮ લોકોના મોત સ્વાઈનફલુમાં નોંધાયા છે.
જયારે રાજકોટની ૨૪ વર્ષની યુવતીનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા યુવાનોમાં પણ સ્વાઈનફલુ વકરી રહ્યો છે. જયારે સિઝનલફલુ હેઠળ સારવાર લેતા દર્દીઓમાં ૪ દર્દીઓની હાલત ગંભીર જણાઈ રહી છે. જયારે રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં કુલ ૧૪ જેટલા દર્દીઓ સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.
સિઝનલફલુના કહેરમાં આવેલા દર્દીઓમાંથી રવિવારે બે વૃદ્ધાઓએ દમ તોડયા હતા. રાજકોટ શહેરના સાકાર ફલેટ જલારામ-૨ યુનિવર્સિટી રોડ પર રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધાએ બપોરના સમયગાળા દરમિયાન ખાનગી હોસ્પિટલમાં સ્વાઈનફલુ સારવાર હેઠળ દમ તોડયો હતો.
જયારે સાંજે જાહેર થયેલા આંકડા મુજબ ગોંડલમાં આઈ.ટી.આઈ.ની બાજુમાં આવેલી સાટોડિયા સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધાને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાંજે ૬:૩૦ કલાકે વૃદ્ધાનો રીપોર્ટ સ્વાઈનફલુ પોઝીટીવ આવ્યો હતો અને રાત્રે ૮:૪૫ કલાકે વૃદ્ધાનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેની સાથે જ રાજકોટમાં એક જ દિવસમાં સ્વાઈનફલુમાં બે મોત નિપજતા મૃત્યુઆંક ૨૮ સુધી પહોંચ્યો હતો. વધતા જતા મૃત્યુઆંક સામે આરોગ્યતંત્ર અને લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
રાજકોટ શહેરમાં રવિવારે બે વૃદ્ધાઓના સ્વાઈનફલુ સારવાર દરમિયાન મોત નિપજયા હતા. જયારે શહેરમાં રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષની યુવતીનો રીપોર્ટ પણ સ્વાઈનફલુ પોઝીટીવ આવ્યો હતો. સ્વાઈનફલુમાં વૃદ્ધ અને પ્રૌઢ વયની દર્દીઓનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું હતું પરંતુ ૨૪ વર્ષની યુવતીનો રીપોર્ટ પોઝીટીવ આવતા સિઝનલફલુનો કહેર યુવાનોમાં વધતા અને રોગનો ચેપ વધતા સ્વાઈનફલુ દર વર્ષે વધુ ખતરનાક થઈ રહ્યો હોવાનું સાબિત થયું છે.
રાજયમાં ૧ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં સ્વાઈન ફલુથી ૫૧ વ્યકિતનાં મોત, નવા ૨૩ કેસ
રવિવારે રાજયમાં સ્વાઈનફલુનાં નવા ૨૩ કેસ સાથે ચાલુ વર્ષનો આંકડો ૧૬૨૯ પર પહોંચ્યો છે. ૧ સપ્ટેમ્બરથી અત્યાર સુધી રાજયમાં કુલ ૧૬૨૯ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૩૬૦ લોકો સારવાર બાદ સ્વસ્થ થયો છે. જયારે ૫૧ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજયાં છે. રાજયનાં આરોગ્ય વિભાગનાં આંકડાઓ મુજબ રવિવારે રાજયમાં સ્વાઈનફલુના નવા ૨૩ કેસ નોંધાયા હતા.
જેમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ પાંચ કેસ નોંધાયા છે. જયારે આણંદમાં ત્રણ કેસ, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશન, ભાવનગર કોર્પોરેશનમાં આઠ કેસ અને મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર કોર્પોરેશન, બોટાદ અને સુરેન્દ્રનગર ખાતે સાત કેસ મળીને કુલ ૨૩ કેસ નોંધાયા છે. જયારે રાજકોટ શહેરમાં ૧લી સપ્ટેમ્બરથી અત્યાર સુધી ૧૧૫ દર્દીઓના સ્વાઈનફલુ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
જે પૈકી ૨૮ દર્દીઓના મોત નિપજયા છે. જેમાં રાજકોટ શહેરમાં કુલ ૩૩ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૩૧ કેસ નોંધાયા છે. જયારે રાજકોટ શહેરના એક દર્દીને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. રાજકોટ સિવાય મોરબી અને જામનગરનાં એક-એક દર્દીઓની સારવાર રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. જેમાંથી મોરબીના દર્દીની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રખાયાનું જાણવા મળ્યું છે.