શરદી-ઉધરસના 415 કેસ, સામાન્ય તાવના 128 કેસ અને ઝાડા-ઉલ્ટીના 76 કેસ નોંધાયા: એક સપ્તાહમાં 371 લોકો બન્યા શ્ર્વાનનો શિકાર
અબતક, રાજકોટ
શહેરમાં કોરોનાની સાથે સિઝનલ રોગચાળાએ પણ માથુ ઉંચક્યુ છે. છેલ્લાં એક સપ્તાહમાં ઝાડા-ઉલ્ટી, શરદી-ઉધરસ અને તાવના 619 કેસ નોંધાયા હોવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. 371 લોકો શ્ર્વાનનો શિકાર બન્યા છે. બીજી તરફ શહેરમાં કોરોનાનું સંક્રમણ પણ સતત વધી રહ્યું છે. ગઇકાલે દિવસ દરમિયાન 194 કેસ નોંધાયા છે.મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે ડેંન્ગ્યૂનો 1 કેસ, મેલેરિયાનો 1 કેસ અને ચીકનગુનીયાનો 1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 415 કેસ, સામાન્ય તાવના 128 કેસ, ઝાડા-ઉલ્ટીના 76 કેસ અને ડોગબાઇટના 371 કેસો નોંધાયા છે. કોરોનાની સાથે શહેરમાં ઋતુજન્ય રોગચાળાએ પણ માથુ ઉંચક્યુ છે.
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે 10,504 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા 1,498 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. ડેંન્ગ્યૂ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 412 બાંધકામ સાઇટ, સ્કૂૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરેનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 525 આસામીને નોટીસ આપવામાં આવેલ છે.