બપોરના 3.00 વાગ્યાનો સમય સંજના,દિપક,અમિત,સુનિલ અને વિદિશા વન્દે ભારત સુપર ફાસ્ટ ટ્રેન દ્વારા ગોવા પહોચ્યાં હતા.તેઓ મુંબઈની એક કોલેજમાં એમ.કોમના બીજા સેમેસ્ટરમાં ભણતા હતા અને એક જ કોલેજના વિધ્યાર્થીઓ હતા. તેઓ પાક્કા મિત્રો હતા અને જૂથમાં ક્યાંકને ક્યાંક ફરવા જવાના શોખીન હતા. આ વખતે તેમણે ગોવાને પસંદ કર્યું હતું,ગોવા આવી જઈને તેઓ ખૂબ ખુશ હતા. ”દિલ ચાહતા હૈ, કભીના બીતે ચમકીલે દિન” આ ગીતને વારે વારે ગાઈ રહ્યા હતા.ગોવા એક રમણીય સ્થળ આજે પણ છે,પણજીની એક હોટલ માં તેમણે છોકરાઓ અને છોકરીઓ માટે અલગ એમ બે રૂમો બુક કરાવેલી હતી.
બપોરે આરામ કર્યા બાદ તેઓ સાંજે નજીકના એક ચર્ચમાં ગયા,ખુબસુંદર ચર્ચ અને તેમાં ઇસુ ખ્રિસ્તની પ્રતિમા ભવ્ય હતી. સાંજે ડિનર કરવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયા ત્યાં એક અજાણ્યો શખ્સ મળ્યો અને તે પણજી પાસે આવેલા એક ટાપુ વિષે કહેવા લાગ્યો.
વ્યક્તિ: પણજીથી 15 કિમી દૂર દરિયામાં એક ટાપુ છે ત્યાં લોકો ફરવા માટે જાય છે,ત્યાં ટાપુ પર વૃક્ષો ઉગેલા છે અને ફરતે દરિયો છે,સુંદર જગ્યા છે,ત્યાં જઈ આવો. તેની વાતો સાંભળી સૌ કોઈ વિચારવા લાગ્યા,વિદિશા બોલી:
હેય, ચાલોને આપણે આ જગ્યાએ પણ જઈ આવીએ.
સુનિલ: હા,જઈ શકાય.
અમિત: શું કહો છો યારો? જઈએ?
દિપક: હા પણ પાછા ક્યારે આવશું?
સંજના:એ દિપક, જ્યાં જઈએ ત્યાંથી પાછા આવવાની જ વાતો હોય તારી તો!
બધા હસી પડ્યા
સુનિલ: તો ફાઇનલ! કાલે એ ટાપુ પર જશું આપણે.
સંજના: પણ ટાપુનું નામ તો પૂછો.
તેઓ શખ્સ તરફ વળ્યા તો તે ત્યાંથી ગાયબ હતો. સૌને અજુગતું લાગ્યું, તેઓ આજુબાજુ જોવા લાગ્યા કે ક્યાક તેમની કોઈ વસ્તુ ચોરાઇ તો નથી ને, પણ કોઈ વસ્તુ ચોરાઇ ન હતી. બીજે દિવસે બપોરે તેઓ દરિયા કિનારે ગયા અને ત્યાં એક મોટર બોટના ચાલકને મળ્યા.
દિપક: સાંભળો ભાઈ, અમારે અહીથી 15 કિમી દૂર એક ટાપુ છે ત્યાં જવું છે. કેહવાય છે કે ત્યાં વૃક્ષો ઉગ્યા છે અને ઘણી સુંદર જ્ગ્યા છે.
નાવિક: અરે ના ભાઈ ના, હું ત્યાં નહિ જાઉં,તે જોખમવાળી જગ્યા છે એમ સાંભળ્યુ છે મેં.
સુનિલ: તમે પૈસા બોલોને, 15 કિમી દૂર છે,કેટલા લેશો?
નાવિક: જુઓ, હું ત્યાં ક્યારેય ગયો નથી પણ તે ખતરનાક જગ્યા છે, ભૂતપ્રેત થાય છે ત્યાં એવું સાંભળ્યુ છે મે.
સંજના: ભાઈ તમે પૈસા બોલોને.
નાવિક: 3000 રૂપિયા લઇશ.
સુનિલ: દીધા ચાલો, (હળવેથી) સસ્તામાં પત્યુ.
બધા બોટમાં બેઠા અને આગળ વધ્યા,રસ્તામાં પણ એકબીજાને પાણીના છાંટા ઉડાડીને મસ્તી કરી રહ્યા હતા અને “દિલ ચાહતા હૈ” ગીત ગાતા જઈ રહ્યા હતા. ત્યાં પહોંચીને ટાપુ પર ઉતર્યા,તે ખુબ સુંદર જગ્યા હતી.ત્યાં આજુબાજુમાં દરિયો અને વચ્ચે જમીન પર ખરા પાણીના વૃક્ષો ઉગેલા હતા.
સૌ પોતાની સાથે એકસ્ટ્રા કપડાં પણ લાવ્યા હતા. પાણી જોઈને તેઓ સીધા નાહવા કૂદી પડ્યા અને એકબીજાને પાણી ઉડાવીને મસ્તી કરવા લાગેલા,ત્યાં અચાનક વિદિશાનું ટાપુ તરફ ધ્યાન ગયું
વિદિશા: હેય ગાઈઝ,આપણો બોટ ચાલક ક્યાં ગયો?
અમિત: છોડને એને,હશે અહી ક્યાંક.
વિદિશા: અરે ક્યાંક ડરીને ,બોટ લઈને ભાગી નથી ગયોને?
દિપક: અરે 3000 સાંભળીને કેવો પીગળી ગયો, પહેલા ના ના કરતો હતો,અહીં જંગલમાં ક્યાંક બેઠો હશે.
હવે સાંજ પડી ગઈ અને અંધારું થવા આવ્યું હતું. સમુદ્રસ્નાનનો કાર્યક્રમ આગળ વધ્યો ત્યાં અચાનક વિદિશા પાણીમાં અંદર વહી ગઈ, બધાને લાગ્યું કે તેણે ડૂબકી લગાવી હશે પરંતુ થોડીવારમા એક ભયાનક દ્રશ્ય સામે આવ્યું,વિદિશાનું કપયેલું મોઢું અને બાકીનું ધડ પાણી પર ઉપર તરીને આવ્યું, તે જોઈને સૌ કોઈ ગભરાઈ ગયા અને રડવા લાગ્યા. થોડી સેકંડ બાદ અમિત સાથે આવી ઘટના બની, તે પણ પાણીમાં ખેંચાઇ ગયો, થોડી વારમાં તેના ધડ અને માથું ઉપર તરતાં આવી ગયા. હવે બાકીના લોકો ગભરાઈને ટાપુ પર જઈને બોટ તરફ ભાગ્યા,ચાલક ત્યાં બોટમાં જ બેઠો હતો,તેને જ્યારે કહ્યું તો તે પણ ગભરાઈ ગયો.
ચાલક: આપણે પોલીસને લઈને આવીએ ચાલો.
સંજના: પોલીસને લઈને આવીશું તો આપણી પર જ આરોપ આવશે.
સુનિલ: જે હોય એ અહીંથી નીકળો જલ્દી.
સુનિલ,સંજના અને દિપક ત્યાંથી નીકળ્યા, ખારા પાણીના કપડાં બદલવાનો પણ સમય ન લીધો, કિનારે પહોચીને ચાલકને પૈસા આપ્યા ત્યારબાદ પોલીસને જાણ કરી.કિનારે નાવિક મળી રહ્યો ન હતો,તેઓ પોલીસ સાથે જ્યારે તે ટાપુ પર ગયા ત્યારે વિદિશા અને અમિતના શરીરને ત્યાં એક વૃક્ષ સાથે બાંધેલા હતા.પોલીસ હવે બાકી ત્રણ પર શંકા કરી રહી હતી અને તે નવિકને પણ શોધી રહી હતી. મહામહેનત અને કેટલીય આજીજીઓ બાદ પોલીસે તે ત્રણેયને છૂટા કર્યા પણ મુંબઈ પોલીસને નજર રાખવા જણાવેલું,હોટલ પર પાછા આવતા તેમણે મેનેજરને આ વાત કહી ત્યારે તેણે જણાવ્યું કે,
મેનેજર: તે ટાપુ પર એક નાવિકનું રહસ્યમય રીતે મોત થયું હતું.તે એક હત્યારો હતો.લોકોને વૃક્ષના તીક્ષ્ણ મૂળ વડે ગળું દબાવીને મારી નાખતો હતો.પોલીસથી બચવા તેણે આત્મહત્યા કરેલી,ત્યારથી ત્યાં લોકોના ગુમ થયાના બનાવો સામે આવ્યા છે. તેનો પ્રેત અહીના દરિયા કિનારે આવે છે અને લોકોને લાલચ આપીને ત્યાં લઈ જાય છે,તે પોતાનું રૂપ પણ બદલે છે એવું પણ સાંભળ્યુ છે મેં, અલગ અલગ ચહરાઓ બદલીને આવે છે. તમારા કેસમાં પણ બંને ખૂન તેણે જ કર્યા છે.
સુનીલ,સંજના અને દિપક ત્રણેય ઉપરના માળ પર આવેલી ગેલેરીમાં બેઠા હતા,તેઓની આંખ ભીની હતી,તેમની નજર સામે તે પ્રેત વિદિશા અને અમિતને ભરખી ગયો અને તેઓ કંઈ ન કરી શક્યા. રાત્રીના અંધકારમાં તેઓની નજર સામે ઉછળી રહેલા દરિયાના મોજા તેમને વધુ ડરાવી રહ્યા અને તે અનંત –અફાટ દરિયો કાળરૂપી ભાસી રહ્યો હતો.