સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર કોને ટિકિટ આપવી અને કોને કાપવા, તે ભાજપમાં હજુ કોકડું ગુંચવાયેલું છે. કારણ કે ભાજપ ટિકિટ આપતાં પહેલાં જ્ઞાતિનું સમીકરણ પણ જોતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ગત સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે 4 બેઠક સર કરી હતી. આથી જે ઉમેદવારો જીતેલા છે તેમને રિપિટ કરવાના મુડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. આપ પણ કાંટાની ટક્કર આપે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે અને આ માટે આપે પણ લેસન ચાલુ કરી દીધું છે.
ગત ચૂંટણીમાં જિલ્લાની 5માંથી 4 બેઠક ઉપર ભાજપનો કારમો પરાજય થયો હતો. એક માત્ર વઢવાણ બેઠકે આબરૂ જાળવી હતી. ભાજપની એવી સ્થિતિ છે કે એક પણ સીટ ગુમાવવી પોસાય તેમ નથી. આથી ભાજપ માટે તમામ 5 બેઠક ઉપર જીતના ઉમેદવાર શોધવા ખૂબ મહત્ત્વનું છે. 5 બેઠક માટે હાલ તો 111 લોકોએ દાવેદારી કરી છે. ગાંધીનગર પાર્લામેન્ટની બેઠક મળી ચૂકી છે, જેમાં બેઠકદીઠ 3થી 5 નામ દિલ્હી મોકલવા માટે તૈયાર થઈ ગયાં છે. લીંબડીમાંથી ક્ષત્રીય કે કોળી ઉમેદવાર જ્યારે ચોટીલામાં કોળી ઉમેદવાર પર પસંદગી ઢોળી શકે છે. ધ્રાંગધ્રામાં પટેલ, ઠાકોર અને દલવાડી ઉમેદવારનાં નામ જાહેર કરે, તેવી વાત ચાલી રહી છે. વઢવાણ બેઠક ભાજપની હોવાનું પક્ષ માની રહ્યું છે. આથી ત્યાં પટેલ, ક્ષત્રીય, જૈન, બ્રાહ્મણ, કારડિયા રાજપૂત જ્ઞાતિના લોકોએ ટિકિટ માગી છે ત્યારે પક્ષ માટે મજબૂત સીટ પર કોને લડાવવા તે મોટી ગડમથલ છે. પાટડીમાં દર વખતે બહારથી ઉમેદવાર આપવામાં આવે છે ત્યારે આ વખતે સ્થાનિક નેતાઓ પણ મેદાનમાં આવ્યા છે, તેમાંથી કોને ટિકિટ આપવી તે મોટો સવાલ છે.
કોંગ્રેસે ગત ચૂંટણીમાં જિલ્લાની 5 બેઠકમાંથી ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા અને પાટડી બેઠકો જીતી હતી. બાદમાં લીંબડી અને ધ્રાંગધ્રાના ઉમેદવારોએ રાજીનામાં ધરી દેતાં પેટાચૂંટણીમાં બંને બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ કોંગ્રેસ માટે અત્યારે ખાસ કરીને પક્ષને વફાદાર રહીને છેક સુધી સાથે રહે તેવા ઉમેદવારની શોધ છે. ખાસ કરીને પાટડી અને ચોટીલા બેઠકના ઉમેદવારોને કોંગ્રેસ રિપિટ કરે તેવી હાલની સ્થિતિ છે. કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી લીંબડી બેઠક ઉપર કોંગ્રેસ કોળી ઉમેદવારને ટિકિટ આપશે, તે નક્કી મનાય છે પરંતુ વઢવાણ બેઠક ઉપર કોને લડાવવા તે મોટો પડકાર છે.
અને આથી જ આ બેઠક ઉપર પટેલની સાથે ઓબીસી જ્ઞાતિના ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. ધ્રાંગધ્રામાં ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઠાકોર સમાજના ઉમેદવાર જીત્યા હતા પરંતુ તેઓ રાજીનામું દઈને ભાજપમાંથી લડીને જીત્યા છે ત્યારે કોંગ્રેસ આ બેઠક ઉપર ઠાકોર સમાજની સાથે પટેલ અને દલવાડી સમાજના ઉમેદવારને પણ ટિકિટ આપે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આપ : તમામ નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરશે
જિલ્લામાં આમ આદમી પાર્ટી પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યું છે. જિલ્લાની 5માંથી 3 વિધાનસભામાં આપે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દીધી છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ માટે પણ માથાના દુ:ખાવા સમાન લીંબડી અને ધ્રાંગધ્રા બેઠક ઉપર કોને લડાવવા તે હજુ સુધી આપના નેતાઓ પણ નક્કી કરી શક્યા નથી. પહેલી વાર ચૂંટણી લડતા હોઈ આપના ઉમેદવારો મોટા ભાગે નવા ચહેરા છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની સામે આપ પણ પૂરી તાકાતથી મેદાનમાં આવ્યો છે. આપના આવવાથી કોને ફાયદો થાય છે અને કોને ફટકો પડે છે, તે તો સમય જ બતાવશે. સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ખરાખરીનો જંગ ખેલાય તેવી હાલમાં ચર્ચા ચાલી રહી છે.